પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪ : હીરાની ચમક
 

 ‘કહું હું શું કરીશ તે... નિંદા કરનારને હું ખસેડી ન શકું તો હું જાતે અદૃશ્ય થઈશ.’ ઉપમન્યુએ કહ્યું.

‘અદૃશ્ય થવાની કળા આવડે છે ખરી ?’ ઇન્દ્રે હસતાં હસતા પૂછ્યું.

‘હા, જી ! એના જેવી સહેલી કળા બીજી એકે નથી. જીવ મારો છે, મારે કબજે છે, એને હું આ શરીરમાંથી જોતજોતામાં અલોપ કરી દઈશ. મને મરતાં વાર નહિ લાગે.’

‘એમ? એ બેડોળ ચક્રમ્ દેવ માટે... થોભ, થોભ ઉપમન્યુ ! મૃત્યુનું આહ્‌વાન બંધ રાખ અને મારી સામે જો !’ ઈન્દ્રે શિવને ગાળ દેવાની પાછી શરૂઆત તો કરી, પરંતુ એ સાંભળી ન શકવાથી ઉપમન્યુએ આગ્નેયી મંત્ર ભણવાની શરૂઆત કરી કે જે દેહને મંત્રોચ્ચાર પૂર્ણ થતાંમાં ભસ્મ કરી નાખે એવી શક્તિ ધરાવતો હતો. ઉપમન્યુએ મંત્ર બોલતાં બોલતાં ઈન્દ્ર સામે જોયું તો ઈન્દ્રનું અસ્તિત્વ જ ત્યાં હતું નહિ ! ઊલટું, ઇન્દ્રને સ્થાને ભગવાન શિવ અને માતા પાર્વતી નંદી ઉપર બિરાજમાન થયેલા ઉપમન્યુએ નિહાળ્યાં. શંકરનું સ્મિતભર્યું મુખ કલ્યાણવાણી ઉચ્ચારી રહ્યું સંભળાયું :

‘ઉપમન્યુ ! તારા ઉપર હું પ્રસન્ન છું. તારી છેલ્લી કસોટી કરવા મેં ઈન્દ્રનું સ્વરૂપ ધારણ કર્યું હતું. માગ માગ, જે માગે તે આપું.’

શંકરનાં દર્શન અને શંકરની વાણી સાંભળી ઉપમન્યુનાં રોમાંચ ઊભાં થઈ ગયાં. બાલ્યાવસ્થાથી જે ઈષ્ટનું એ તપ કરી રહ્યો હતો તે ઈષ્ટ તેની સામે જ પ્રત્યક્ષ ઊભા હતા. આજે તેની તપશ્ચર્યા ફળી. જગદ્વ્યાપી શિવતત્ત્વ ઘન આકાર ધારણ કરી, ભક્તને સંતોષવા માટે સાકાર બન્યું હતું. ભરી ભરી, આંખે ઉપમન્યુએ શિવ-પાર્વતીનાં દર્શન કર્યા. આંખમાં શિવ-પાર્વતીની મૂર્તિ સદાય અંકાઈ રહે એમ તે અવાક્ બની દૃશ્ય જોયા જ કરતો.

‘માગી લે, ઉપમન્યુ ! શિવતત્ત્વ પાસે તું જે માગીશ તે મળશે.’ ભગવાન શંકરે અવાક્ બની ગયેલા ઉપમન્યુની વાણી ઉઘાડવા