પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬ : હીરાની ચમક
 


લાગે છતાં ગિરિજાશંકરના ઘરમાં સ્વચ્છાંમાં સ્વચ્છ પાથરણાં પાથરેલ હતાં, અને તેના ઉપર એક સફાઈ ભરેલાં વસ્ત્રોવાળો યુવાન અને એને પણ ટપી જાય એવાં વસ્ત્રપરિધાન કરેલી યુવતી ખાટલા રોકી બેઠાં હતાં. ગિરિજાશંકરનાં બાળકો સ્તબ્ધ બનીને આવેલા મહેમાનોને નિહાળી રહ્યાં હતાં, અને ગિરિજાશંકરનાં પત્ની સહજ ગભરાટ ભર્યાં સ્વચ્છ લોટા પવાલાં લાવી તેમની પાસે ભરતાં હતાં. ગિરિજાશંકરને એટલી ખાતરી તો થઈ જ કે આવનાર, કહો કે ન કહો, તેમને ઘેર જ આવ્યાં હતાં. ગામની આગેવાની ગઈ, તે છતાં કદાચ કોઈ રસ્તે જનાર ગૃહસ્થ આગેવાનનું ઘર પૂછી પોતાને ત્યાં આવ્યા હોય એમ સંભવિત લાગ્યું. નમસ્કાર કરતા ગિરિજાશંકર માસ્તર આગળ આવ્યા. તેમના ઘરને આંગણે નવા માણસોને જોવા સ્ત્રી, પુરુષ અને બાળકનું ટોળું ભેગું થઈ ગયું હતું. તેમને આવતા જોઈને જ ખાટલા ઉપર બેઠેલી દમામદાર યુવતી ઊભી થઈ અને ચમકી ઊઠેલા ગિરિજાશંકર માસ્તરના મેલા પગને પોતાના સ્વચ્છ હાથ અડાડી તેણે પોતાની આંખે લગાડ્યા.

‘હાં, હાં, બહેન ! આ શું ? આજના યુગમાં હવે આમ કોઈ પગે ન જ લાગે ! અને હું વળી કોણ પગે લાગવાની યોગ્યતાવાળો ? બિરાજો. બહેન ! મારું કંઈ કામકાજ હોય તો આપ કહી શકો છો.

‘રસ્તો તો ભૂલ્યાં નથી ને ?’ ગિરિજાશંકર આશ્ચર્ય અનુભવતા હતા છતાં તેમનું શિક્ષકનું ગૌરવ તેમની વાણીને બંધ કરે એ અશક્ય હતું. બહુ વિવેકપુરઃસર પોતાને પગે લાગતી સુંદરીને આશીર્વાદ આપી ઊભી કરી ગિરિજાશંકરે તેના અભિનયનો જવાબ આપ્યો. ગિરિજાશંકરના મોટા પુત્રે ઘરમાં એક સ્ટુલ હતું તે લાવી પિતાને બેસવા માટે પણ સાધન કરી આપ્યું, ગિરિજાશંકરએ સ્ટુલ ઉપર બેઠા, પરંતુ પેલી યુવતી હજી સુધી પોતે પ્રથમ રોકેલા ખાટલા ઉપર બેસતી ન હતી.

‘બહેન ! કેમ બેસતાં નથી ?... વાત સાચી; અમારા ગામડાંની બેઠકો આપને ન જ ફાવે.’ ગિરિજાશંકરે યુવતીને બેસાડવા માટે