પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કુલશેખર : ૧૬૯
 

 સૂર્ય એનો સમય થયે ઊગતો અને સમય થયે આથમતો. રાજા કુલશેખર સૂર્યને મોડો ઊગવાની આજ્ઞા કરે કે ચંદ્રને નીચે ઊતરી આવવાની આજ્ઞા કરે, એ આજ્ઞાઓ રાજાની હોવા છતાં સૂર્યચંદ્ર પાલન કરતા હોય એવી કુલશેખરને ખાતરી થઈ નહિ. રાજાનો પણ એક રાજા હતો એ કુલશેખરની સમજમાં આવેલું. ભક્તનો એ પુત્ર હતો એટલે એનામાં ભારે નમ્રતા તો હતી જ. રાજસત્તા અતિશય મર્યાદિત હતી એવી પણ એને ખાતરી થઈ ચૂકી. રાજસત્તા એ કુદરતી સત્તા નહિ, કુદરતી સત્ય પણ નહિ, માત્ર મર્યાદિત માનવોએ ટોળે મળી એક વ્યવસ્થાશ્રમ ઉપજાવ્યો એનું નામ રાજસત્તા. સાચી સત્તા તો કોઈ સાચા સત્તાધીશના હાથમાં છે જે સૂર્યચંદ્રને ઉગાડે છે, પૃથ્વીમાંથી જીવન પ્રગટાવે છે અને પાણીને પવનથી હલાવે છે ! એ સત્તાનું સૂત્ર જેના હાથમાં હોય તે સાચો સત્તાધીશ ! અને એ હશે કોણ ? આંખ બનાવનાર એ સત્તાધીશ આંખ સામે કેમ ન દેખાય ? અને કુલશેખરે આ ભાવના થતાં બરાબર એ મહાન સત્તાધીશને આંખ સામે પ્રત્યક્ષ કરવા માનસિક તપ આદર્યું.

એ સત્તાધીશનો આકાર શો ? એનું રૂપ શું? એની વાણી કેવી ? આકાર વગર એ માનવ ઈંદ્રિયોને પ્રત્યક્ષ થાય પણ શી રીતે ? ભક્તો કહેતા હતા કે માનવ જીવનમાં પ્રભુ રામ રૂપે, કૃષ્ણ રૂપે નારાયણ સ્વરૂપે પ્રગટ થયા છે. આંખને તો કોઈ નિરાકાર સત્તા પ્રગટ દેખાતી ન હતી. શા માટે મહારાજ કુલશેખર એ ભક્તોએ વર્ણવેલા રામ, કૃષ્ણ, વિષ્ણુ અને નારાયણના આકારને આંખ સામે સતત ન રાખી શકે ? સર્વશક્તિમાન પ્રભુ આકારહીન હોય તો યે એને વિગ્રહ-આકાર ધારણ કરવામાં હરકત કેમ આવે ? કુલશેખરે પ્રભુનું સ્મરણ થાય એમ નિત્ય કથાવાર્તા પોતાના મહેલમાં શરૂ કરાવી અને આખા નગરને નોતરવા માંડ્યું.

* **

રાજમહેલમાં રામાયણની કથા ચાલતી હતી. રામાયણની કથા.