પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦ : હીરાની ચમક
 

 અને તેમાં યે કથાકાર બહુ મોટો કલાવિદ્ –એની વાણીમાંથી રામાયણનાં પાત્રો સજીવન બની આકાર ધારણ કરતા હોય એવું એનું કવિત્વમય વક્તવ્ય હતું. વિશાળ શ્રોતામંડળ બેઠું હતું અને રાજ કુલશેખર તલ્લીન થઈ રામાયણની કથા સાંભળતા હતા. એક દિવસ રામાયણનો ખર-દૂષણ સાથેના યુદ્ધનો પ્રસંગ આવ્યો. આદર્શ ભ્રાતા લક્ષ્મણને સીતાજીનું રક્ષણકાર્ય સોંપી રામ એકલા પોતે ધનુષ-બાણ લઈ ખર દૂષણની ચૌદ હજાર રાક્ષસોની સેના સામે યુદ્ધ કરવા ચાલ્યા

चतुर्दशशस्त्राणि रक्षसां भीमकर्मणाम् ।
एकश्च रामो धर्मात्मा कथं युद्धं भविष्यति ॥

કથાકારે આ અસમાન યુદ્ધનું બહુ રોચક શબ્દોમાં વર્ણન આપ્યું. અને એના શબ્દોએ ચૌદ હજાર રાક્ષસો એક પાસ અને સામે એકલા રામ, જાણે પ્રત્યક્ષ કરી દીધા ! ભાવિક કુલશેખર તન્મય થઈને કથા શ્રવણ કરતો હતો. એણે તો પોતાની આંખ સામે આ યુદ્ધ રચાતું જોયું. એ વીસરી ગયો કે અહીં તો રામાયણની કથા ચાલતી હતી, ભાન ભૂલી મહારાજા કુલશેખર ઊભો થયો. પોતાનાં શસ્ત્રાસ્ત્રો તૈયાર કર્યા અને ઘોર શંખનાદ કરી આખી રાજસેનાને એકત્રિત કરી દીધી, સેનાનાયક પણ ભક્તરાજાના રાજ્યમાં અંશતઃ ભક્ત બની ગયો હતો. રાજાની પ્રવૃત્તિ જોઈ આખી સભા ચકિત થઈ અને સેનાપતિ પણ ચકિત થયો. રાજાના હૃદયમાં કોઈ અવનવો ઉત્પાત થયો છે કે હું, એવો તેમને ભય પણ લાગ્યો સેનાપતિએ નમ્રતાપૂર્વક પૂછ્યું :

‘મહારાજ ! શી આજ્ઞા છે?’

‘જોતા નથી, સેનાપતિજી ! કે રામ એકલા ચૌદ હજાર રાક્ષસ સામે યુદ્ધ કરવા જઈ રહ્યા છે? આપણે શું અહીં બેઠા રહેવું છે. અને રામને કષ્ટ પડે એ સગી આંખે નિહાળવું છે?’

‘પણ...’ સેનાપતિ કાંઈ કહેવા જતા હતા પરંતુ તેમને અટકાવી