પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કુલશેખર : ૧૭૩
 


કાઢવાની તેની ફરજ હતી. તપાસ શરૂ થઈ. પ્રજાજનો સુખી હતા. ગુનેગારોનું નામનિશાન રાજ્યમાં હતું નહિ રાજમહેલના કર્મચારીઓને ભરપટ્ટે પગાર મળતો હતો એટલે હીરા ચોરવાની કોઈ નોકરને તો જરૂર હતી નહિ; બાકી રહ્યા રાજમહેલમાં ફરતા સાધુ, સંતો અને વૈષ્ણવો !

રાજાએ એ યુગને છાજે એવો ગુનાશોધનનો પ્રકાર યોજ્યો. ગુનેગાર જડે નહિ ત્યારે એ શોધવાનું કામ દિવ્ય સત્ત્વને સોંપવામાં આવતું. રાજાએ એક દિવ્ય સોંપણી ગુનેગાર માટે રજૂ કરી અને સર્વ રાજમંદિર સાથે સંબંધ ધરાવનાર ભક્ત અને કર્મચારીઓને ભેગા કર્યા, અને હળાહળ વિષ ભરેલા એક સર્પનો કંડિયો લાવી સર્વની વચ્ચે મૂક્યો. રાજાને મન આ ગુનો બે પક્ષમાં વહેંચાઈ ગયો હતો. કાં તે સાધુ-સંતોએ હીરા ચોર્યા હોય, કાં તો દરબારી નોકરોએ. કંડિયો આવતાં બરોબર રાજાએ આજ્ઞા આપી :

‘ગુનેગાર શોધવાની હવે એક જ રીત બાકી રહી. આ કંડિયામાં ભયાનક સર્પ છે, વિષધર નાગ છે; એમાં સહુ કોઈ હાથ ઘાલે. ગુનેગાર હશે તેને સર્પદંશ થશે; ગુનેગાર નહિ હોય તે દંશથી મુક્ત રહેશે. ચાલો, કોણ શરૂઆત કરે છે ?’

દરબારીઓ સંકોચાયા, જ્યારે સાધુસંતોમાં કોણે પહેલો હાથ નાખવો એની હોંસાતોંસી થવા માંડી. રાજાના મનમાં તો ખાતરી જ હતી કે આ સાધુસંતોનું કામ નથી, પરંતુ સાધુસંતોથી કંટાળેલા રાજદ્વારી પુરુષોનું જ આ કામ છે. તેણે એકાએક પોતાનો હાથ ઊંચો કર્યો. સહુ સ્તંભી ગયા. ભેગી મળેલી સર્વ મંડળી સાંભળે એમ કુલશેખરે ગંભીર નાદે કહ્યું :

‘આ રાજમહેલમાં સાધુસંતો આવે છે મારા આમંત્રણે. એની જવાબદારી મારી છે. હું પોતે જ મારા પોતાના ઉપર સર્પદિવ્યનો પ્રયોગ કરું છું. અને જો સાધુસંતોમાંથી કોઈએ પણ હીરા ચોર્યા હોય તો મારી પ્રભુને પ્રાર્થના છે કે સર્પદંશ મને જ થાય !’

રાજા કુલશેખર આટલું કહીને અટક્યો નહિ. સંતો અને દરબારીઓ