પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪ : હીરાની ચમક
 


બંને રાજાને અટકાવે તે પહેલાં રાજાએ સર્પના કંડિયામાં પોતાનો હાથ ખોસી ઘાલ્યો. ક્ષણ વીતી, બે ક્ષણ વીતી, પા ઘટિકા વીતી. છતાં રાજાનો હાથ અંદરની અંદર સલામત રહ્યો અને તેના મુખ ઉપર દંશનું એક ચિહ્ન પણ દેખાયું નહિ. કંડિયાનું ઢાંકણું ખોલાતાં સહુ દેખે એમ રાજાએ નાગની સોડમાં પોતાનો હાથ અડાડી રાખ્યો. નાગે હાથ ઉપર ફણા કરી પરંતુ નાગ જરા પણ ડસ્યો નહિ અને ફણા સંકેલી કંડિયામાં પાછો સમેટાઈ ગયો. ભક્ત રાજવીની ક્ષત્રિયવટ સંતોને નિર્દોષ ઠરાવી રહી.

અલબત્ત, કર્મચારીઓને શરમ આવી. હીરા બધા જ જડ્યા. મહારાજ કુલશેખરને સંતોની ચુંગાલમાંથી ઉગારવાનો દરબારીઓનો આ બાલિશ પણ પ્રામાણિક પ્રયત્ન હતો એ જાહેર થયું; અને ભક્ત રાજવીને તો સદા યે ગુનાની શિક્ષા ક્ષમામાં જ હોય ! દરબારીઓનો શુભ ઉદ્દેશ વિચારી તેણે કોઈને કાંઈ શિક્ષા કરી નહિ, અને દરબારીઓએ પણ એ સમય પછી રાજાના ભક્તમાર્ગમાં સહજ પણ વિઘ્ન નાખવાનો પ્રયત્ન કર્યો નહિ.

ભકતશિરોમણિ ક્ષત્રિય રાજવી કુલશેખર રાજાઓ કરતાં ભક્તોમાં વધારે મોટું સ્થાન આજ સુધી પામી રહ્યો છે. દક્ષિણનો એ પરમ વૈષ્ણવ રાજવી.

‘મુકુંદમાલા’ નામનો એક સંસ્કૃત સ્તોત્રગ્રંથ આ રાજવીની વિદ્વતા અને ભક્ત પ્રદર્શિત કરતો આજ પણ ભક્ત અને વિદ્વાનોમાં બહુ આદર પામે છે.