પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨ : હીરાની ચમક
 

 રેખાઓ દોરાવા લાગી. માધવીના પ્રેમને પોતાના તરફ વાળવાની તરકીબમાંથી એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે માધવીનો પ્રેમ થીજી ગયો હતો કે વહી શકે એવો હતો તેની શંકા શરદને ઉત્પન્ન થવા લાગી. પરપુરુષોનો માધવીએ ત્યાગ કર્યો જ હતો, પરંતુ શરદને હવે લાગવા માંડ્યું કે માધવીનો દેહ અને માધવીનું મન તેનો પણ ત્યાગ પુકારી રહ્યાં છે. બોલાવ્યા સિવાય માધવી શરદની પાસે આવતી નહિ. આવતી ત્યારે તે કાંઈ બોલતી નહિ. અને તેના મુખ ઉપર સ્મિત લાવવાના શરદના સઘળા પ્રયાસો મિથ્યા જતા હતા. આભૂષણનો માધવીએ ત્યાગ જ કર્યો હતો, માત્ર હાથની બંગડી અને લગ્નની વીંટી સિવાય. વસ્ત્રોમાં તેણે એવી સાદાઈ લાવી દીધી કે તેનાં અને તેની નોકરબાઈનાં વસ્ત્રો વચ્ચે ભાગ્યે જ કાંઈ તફાવત દેખાય.

શરદનું જીવન એકાએક ખારું બની ગયું, અને એ ખારાશને પ્રતાપે તેના પુરુષત્વના વાગેલા ઘાવમાં લૂણ ઉમેરાયું. શરદના દિલમાં પુરુષ સહજ ક્રૂરતા જાગી અને એ ક્રૂરતામાંથી માધવીના રિસાયલા છંછેડાયલા, સંકોચાયલા, સ્વત્વ ઉપર તેણે ચોકી પણ મૂકી દીધી. માધવીના વર્તનમાં ધીમે ધીમે તેને સ્ત્રીચરિત્ર દેખાયું. સ્વપત્નીમાં સ્ત્રીચરિત્ર જોનાર પતિ ચોવીસ કલાક તેનો રખેવાળ બની રહે છે. સ્ત્રીચરિત્ર એટલે જ પતિને ભોળવવાની ક્રિયા; પછી એ ભોળવવાની ક્રિયા સ્મિતથી પણ થાય, રીસથી પણ થાય અને આંસુથી પણ થાય. માધવીની રીસમાં શરદને માધવીનું કાંઈ કરતૂક દેખાવા લાગ્યું, અને તેણે માધવીની આસપાસ જાસૂસી જાળ પણ બિછાવી દીધી. પતિથી પત્નીની પહેરેગીરી પણ ચોવીસે કલાક તો ન જ થાય. વિશાળ ઉદ્યોગનો શરદ ચાલક હતો. અનેક વ્યવસાયોમાં તે ઊંડો ઊતરેલો હતો, અને ઘર છોડીને બહાર નીકળવાના તેને અનેકાનેક પ્રસંગો આવતા હતા.

એક દિવસ શરદ ઘેરથી નીકળી પોતાની ઑફિસે ગયો. એ દરમિયાન એના જેવડા જ એક યુવાન પુરુષે ઘરમાં આવી પ્રથમ શરદને મળવાની ઈચ્છા પ્રગટ કરી, અને શરદ ન હોવાથી શરદની પત્ની માધવીને મળવાની ઈંતેજારી દર્શાવી. શરદને મળવા માટે તેને