પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રૂપનો ઈજારદાર : ૧૮૩
 



ઑફિસે જવાનું કહેવામાં આવ્યું, અને માધવીને મળવાનું કહેતાં તેને એવો જવાબ મળ્યો કે માધવીની તબિયત સારી ન હોવાથી તે કાઈને મળી શકે એમ હતું જ નહિ.

‘માધવીની તબિયત સારી ન હોય તો તો મારે એને અવશ્ય મળવું જોઈએ.’ એ યુવકે કહ્યું.

‘પરંતુ એ અશક્ય છે. ડૉકટરોની મના છે.’ નોકરે અને નોકરબાઈ બંનેએ એ યુવકને ખબર આપી.

‘ડૉકટરોની મના બધા માટે ન હોય. મારું નામ દેશો તો માધવી પોતે જ મને બોલાવી લેશે... અને મારી હાજરીથી તેની માંદગીમાં તેને સારું પણ લાગશે.’ યુવકે કહ્યું.

‘આપનું નામ શું ?’ નોકરે પૂછ્યું.

‘મારું નામ ગિરીશ.’ યુવકે કહ્યું. અને નોકર માધવી પાસે આ નામ લઈ જવાનો દેખાવ કરીને પાછો આવ્યો : પાછાં આવીને તેણે કહ્યું :

‘માધવીબહેન કોઈને પણ મળી શકશે નહિ.’

‘મને પણ નહિ ?’ ગિરીશે જરા આશ્ચર્ય દર્શાવ્યું.

‘આપને જો ખરેખર મળવાની ઈચ્છા જ હોય તો ઘરના માલિક શરદકુમાર ઘરમાં આવે ત્યાર પછી આવો. એમની હાજરી વગર કોઈ પણ પુરુષને માધવીબહેન મળતાં નથી.’ નોકરે જવાબ આપ્યો. અને અણધાર્યું સત્ય જાહેર પણ કરી દીધું.

‘વારુ, આજ તો મારે કામ છે. એક કલાકમાં મારે અહીંથી ચાલ્યા જવાનું. ફરી ક્યારે આવીશ તે હું કહી શકતો નથી. પરંતુ મારું આટલું કાર્ય તમે ન કરો ?’ ગિરીશે કહ્યું.

‘હા જી, શું છે?’

‘આટલી મારી ભેટ માધવી પાસે લઈ જાઓ તો હું તમારો આભાર માનીશ.’ કહી ગિરીશે પોતાના ખિસ્સામાંથી એક ડબી કાઢી. એ ડબી ઉઘાડી અને નોકરોને બતાવી. એ ડબીમાં બહુ સુંદર હીરાની બે બંગડીઓ અને બે હીરાનાં એરિંગ હતાં. એ ડબી પાછી બંધ