પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪ : હીરાની ચમક
 

 કરી ગિરીશે નોકરબાઈના હાથમાં મૂકી અને એના ઉપર એક જાડા કાગળના ચકતામાં લખ્યું :

‘માધવીને ગિરીશ તરફથી બાળપણના એક ચિરસ્મરણીય પ્રસંગની યાદમાં.’ ડબી સાથે કાગળ પણ તેણે મૂકી દીધો, અને જરા નિરાશ થઈને બહાર નીકળ્યો. બહાર શરદના બંગલાની પૉર્ચમાં શરદની કારને પણ આંટે એવી એક કાર ઊભી હતી તેમાં ગિરીશ બેસી ગયો. અને એ ભારે કાર ત્યાંથી ચાલી ગઈ.

માલિકો ધારે એનાં કરતાં વધારે ઊંડાણથી નોકરો ઘરના વાતાવરણને સમજી જાય છે. કેટલાયે દિવસથી શેઠ અને શેઠાણી વચ્ચે બિયાબારું ચાલતું હોય એવી નોકરોને ખાતરી થઈ ગઈ હતી. અને વિશ્વાસપાત્ર નોકરો જાસૂસી કરતા જ હતા. એટલે તેમને ખાતરી થઈ કે જે પ્રસંગની તપાસ માટે શેઠ આતુર હતો એ જ પ્રસંગ આજ બની ગયો. ગિરીશ જેવા સોહામણા અને ધનિક યુવક માટે જ પતીપત્ની વચ્ચે ઝઘડો થયો હોવો જોઈએ અને શરદની ગેરહાજરીમાં ગિરીશ આવી માધવીને મળે નહિ અગર ક્યાંય લઈ જાય નહિ, અથવા કાંઈ બંને વચ્ચે આપ-લે થાય નહિ, તે જ જોવાની વિશ્વાસુ નોકરોની ફરજ આજ બજાવાઈ શકાઈ એમ નોકરોને લાગ્યું. અને બંને નોકર અને નોકરબાઈ માધવીને કાંઈ પણ ખબર આપ્યા સિવાય, શરદની ઈંતેજારીપૂર્વક રાહ જોવા લાગ્યાં.

નિત્યની માફક સંધ્યાકાળે શરદ આવ્યો. ઘરનું વાતાવરણ હતું તેવું ને તેવું જ શોકગ્રસ્ત હતું. હસતે મુખે તેને લેવા સામે આવતી માધવી કેટલા યે દિવસથી તેની સામે આવતી ન હતી; ઘરમાં હાસ્ય તો સંભળાતું જ ન હતું; અને માધવીની અવરજવરથી જાગૃત રહેતું આખું ઘર ખાલી ખાલી જ લાગ્યા કરતું હતું. માધવી પોતાના ખંડમાં ખાલી આંખે, અને શૂન્ય મસ્તકે, એક ખુરશી ઉપર બેસી રહી હતી. શરદ કદી કદી આવતો અને તેને એકાક્ષરી જવાબમાં પતાવી પાછા જવાની માધવી ફરજ પાડતી. આજ પણ કંઈ નિત્ય-પ્રયોગ આદરવામાં આવ્યો. પહેલાં કપડાં કાઢી સ્વસ્થ થઈ શરદ