પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬ : હીરાની ચમક
 

 જાસૂસ નોકરોએ શરદને ભેટની ડબી, અને ભેટ આપનારાનું વર્ણન આપી દીધાં હતાં.

‘મારે એ ડબી જોવી નથી : મને ધરેણામાં કશો રસ નથી.’ માધવીએ કહ્યું.

‘પરંતુ ગિરીશનાં આપેલાં ઘરેણાંમાં તને જરૂર રસ પડશે.’ કહી શરદે ચાંપ દાબી ડબી ખોલી નાખી અને તેમાંથી ઝબકતાં ચાર હીરાનાં ઘરેણાં પ્રકાશી ઊઠ્યાં.

માધવીએ ઘરેણાં સહિત ડબી ઉઠાવી પાસેની બારીમાંથી બહાર ફેંકી દીધી.

‘એમ દેખાવ કરે દોષ ઢંકાશે નહિ. કોણ છે એ ગિરીશ?’ શરદે ધમકાવીને કહ્યું.

‘દોષ ! દોષ હવે ઢંકાય એમ છે જ નહિ. તારી આંખ જ દોષથી ભરેલી છે, એટલે બીજો ઇલાજ નથી. ગિરીશનું જે વર્ણન હું આપીશ તે તને ખોટું જ લાગવાનું છે. મારે એને ઓળખાવવો નથી.’ માધવીએ જવાબ આપ્યો.

‘મારી આંખમાં દોષ? તારા દોષ ભરેલા દેહને જરા કહેવા દે કે ગિરીશ કોણ છે. એ જાણ્યા વગર હું રહેવાનો નથી જ.’

‘આ આડાઈનું પરિણામ શું આવશે તે તું જાણે છે ?’

‘જે પરિણામ આવ્યું છે તેના કરતાં બીજા કોઈ ખરાબ પરિણામની હું આશા રાખતી નથી. મારું અને તારું જીવન ભાંગીને તેં ભૂકો કરી નાખ્યું છે.’

‘અને છતાં તું મારા ઘરમાં ચેનપૂર્વક રહી શકે છે એ ભૂલીશ નહિ.’ પુરુષ વિકરાળ બને છે ત્યારે તે સ્ત્રીનું અહં ઘવાય એવી જ વાણી ઉચ્ચારે છે. શરદે માધવીના અહં ઉપર છેલ્લો ફટકો માર્યો.

માધવીની આંખમાથી અગ્નિ ખર્યો. એણે કંઈ પણ જવાબ ન આપતાં ઊભાં થઈ ખંડની બહાર જવા માંડ્યું. અપમાનિત