પૃષ્ઠ:Hira ni chamak.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮ : હીરાની ચમક
 


સમક્ષ તેમણે બન્ને હાથ મુક્યા, અને તેમનાથી બોલાઈ ગયું :

‘તું ? જયા ? ખરેખર ? હવે તેને ઓળખી, દીકરી ! નાની હરણી જેવી તું અહીં નાચતી કૂદદી હતી. હોય એના કરતાં સોગણું સુખ અને અખંડ સૌભાગ્ય તને મળો ! ...દીકરી ! બહુ બદલાઈ ગઈ. પ્રભુ તને સુખી રાખે !’ ગિરિજાશંકરના શબ્દો ભાવ પૂર્વક બોલાયે જતા હતા. જયા પોતાના દેહને, પોતાના મસ્તકને ગિરજાશંકરના વક્ષ સમક્ષ રાખી નીચું જોઈ ઊભી રહી હતી. વાત્સલ્યના ધોધ વરસાવતા ગિરિજાશંકરના હસ્ત જયાને મસ્તકે, સ્કંધે અને વાંસે વહી રહ્યા હતા અને એક વખતના સોટીધારી, કડક, માનવંત શિક્ષકની આંખ પણ અશ્રુનો પડઘો પાડી રહી હતી.

ભેગો થયેલો આખો ગ્રામસમૂહ સ્તબ્ધ બની રહ્યો. રાજકુંવરી સરખી અલંકૃત, ચમકદાર યુવતી ચમક રહિત વસ્ત્રોવાળા એક મધ્યવયી, અર્ધમેલા પુરુષના વાત્સલ્ય, આશીર્વાદ અને હસ્તને કેટલી યે ક્ષણો સુધી ઝીલી રહી હતી ! ગુરુથી બોલી શકાયું નહિ એટલે જયાને ખાટલા ઉપર બેસાડી, ગિરિજાશંકર પોતે પણ તેની સાથે જ બેઠા. પાસે પડેલ જળપાત્રમાંથી પ્યાલો ભરી ગુરુએ શિષ્યાને પોતાને હાથે પાણી પાયું. શિષ્યાએ સાભાર તે પીધું, આંખો લૂછી નાખી અને ગુરુની સામે જોઈ તે હસી–જોકે આભારથી ઊર્મિભર્યું રુદન હજી મુખ ઉપર સેરડા પાડી જતું હતું ખરું !

‘દીકરી ! ઘરનો રાજવૈભવ છોડી આ ધૂળિયા ગામમાં તું ક્યાંથી અકસ્માત આવી ચઢી ?’ ગિરિજાશંકરે પૂછ્યું.

‘માસ્તર સાહેબ ! તમે ન જ આવ્યા એટલે હું શું કરું? પરણ્યા પછી પહેલી વાર પગે લાગવાની આટલે વર્ષે તક મળી ! તમે ન આવ્યા એટલે હું આવી – જોકે મારે બહુ વહેલાં આવવું જોઈતું હતું.’ જયા બોલી. ગિરિજાશંકર માસ્તરનું સાન્નિધ્ય હજી જાણે તેને જોઈતું જ હોય એમ તેનું મન કહી ૨હ્યું હતું.