પૃષ્ઠ:Hira ni chamak.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




હીરાની ચમક


ખાનદેશમાં તાપીને કિનારે બુરહાનપુર નામનું નગર. આજ પણ એ નગર છે જ. મીર ખલીલ બુરહાનપુરનો સૂબો અને તેની પત્ની શાહજાદા ઔરંગઝેબની માસી થાય. શાહજાદા ઔરંગઝેબને અને તેના પિતા શહેનશાહ શાહજહાનને બહુ બને નહિ, છતાં એ બાહોશ શાહજાદાને દક્ષિણ ગુજરાત, સિંધ અને મુલતાન જેવાં મહત્ત્વનાં સ્થળોએ સૂબાગીરી આપવામાં આવતી હતી. અને મધ્યભારતના ગોન્ડ રાજ્ય સામે તેમ જ અફઘાનિસ્તાનમાં લડવા માટે મોકલવામાં આવતો હતો. બાહોશ શાહજાદો પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરતો. માત્ર તેને લાગ્યા કરતું હતું કે તેની બાહોશીના પ્રમાણમાં તેના પિતા તેની કદર કરતા નહિ. શાહજાદો ચુસ્ત મુસલમાન. પાંચ વાર નિમાજ પઢે, કુરાન લખે-વાંચે, મુસ્લિમ સંતોને પૂજે અને શરાબને અડકે પણ નહિ. તેના પિતા અને એના ભાઈઓને દારૂની બહુ છોછ ન હતી. તેઓ મુસ્લિમ રીતરિવાજો પાળતા હતા ખરા; છતાં હિંદુ સાધુસંતો તરફ માનવૃત્તિ રાખતા હતા. અને વળી તેનો વડીલ ભાઈ દારા તો હિંદુ પંડિતો અને સાધુ સંતોને પોતાની પાસે બોલાવી ગીતા, ઉપનિષદ્ સમજવા મથન કરતો.

રાજકુટુંબની આ બંને પ્રણાલિકા શાહજાદા ઔરંગઝેબને જરા ય પસંદ ન હતી. એક ચુસ્ત મુસ્લિમ તરીકે ઔરંગઝેબ અન્યધર્મીઓ સાથે જરા ય હળતોમળતો નહિ અને અન્ય ધર્મના ઊંડાણમાં ઊતરવા મથતો પણ નહિ. દારૂ પ્રત્યે તેને અતિશય તિરસ્કાર. અને દારૂ પીનાર પ્રત્યે એથી પણ વધારે તિરસ્કાર, લપસી પડાય