પૃષ્ઠ:Hira ni chamak.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩ : હીરાની ચમક
 


એવું ઇસ્લામીપણું ઔરંગઝેબ કદી પસંદ કરે નહિ, અને લપસી પડનાર પોતાનો ભાઈ હોય કે બાપ હોય તો પણ તેમના હળવા હૃદય માટે તે તેમનો મનમાં તિરસ્કાર કરતો અને પોતાની પવિત્ર ધર્મચુસ્તતા માટે અંગત ગર્વ પણ સેવતો. પિતા પુત્ર વચ્ચે સતત છણછણાટભર્યો સંબંધ ચાલ્યા જ કરતો. અને એક દિવસ તેને એકાએક દક્ષિણની સૂબાગીરી સંભાળવાનું શાહી ફરમાન મળી ગયું. દિલ્હી દૂર દૂર ફેંકાતા શાહજાદાને અણગમો તો ઘણો આવ્યો. દિલ્હી આગ્રાનો પ્રદેશ તેને ખૂબ ગમતો. હુકમનો અમલ તત્કાલ કરવાનો હતો, એટલે બીજે દિવસે પ્રભાતમાં આગ્રા તેને છોડવું પડે એમ હતું. એટલે તૈયારીના હુકમો આપી તે જમનાકિનારે સાંજે એકલો એકલો લટાર મારી રહ્યો હતો, અને મનમાં પિતાની અવકૃપા માટે પિતાના અસ્થિર હૃદયને દોષ દેવા લાગ્યો.

યમુનાતટ ઉપર એ જ વખતે એક સાધુ મોટી શિલા ઉપર ભાંગ ઘૂંટી રહ્યો હતો. નિર્વ્યસની શાહજાદાને આ સાધુ નિહાળી અત્યંત ક્રોધ ચડ્યો. પોતે ગાદીએ આવે તો માત્ર શરાબ જ નહિ, આસવ જ નહિ, પરંતુ સાધુઓનો ગાંજો અને ભાંગ પણ તે બંધ કરાવે ! સાચું મુસ્લિમપણું કોઈ પણ વ્યસનને આવકારે નહિ. અને તેણે ખુદાને પ્રાર્થના કરી કે માનવજાતને નિર્વ્યસની બનાવવા, તથા સાચા ઇસ્લામને પુષ્ટ કરવા માટે પ્રભુ તેને દિલ્હીની શહેનશાહત અર્પણ કરે ! યમુનાતટ જેવી સાર્વજનિક જગાએ કોઈ પણ પરધર્મી નશો કરવાની તૈયારી કરે તે એના રાજ્યમાં કદી પણ બની શકે નહિ એમ તેણે ધાર્યું. પિતાના નિર્બળ, નિર્માલ્ય અને નિરંકુશ રાજ્યમાં જ આવા જાહેર સ્થળે સાધુને ભાંગ તૈયાર કરવાની તક મળી શકી. અમુસ્લિમ કૃત્ય અટકે એ ખાતર પણ ઔરંગઝેબે દિલ્હીનું રાજ્ય મેળવવું જ જોઈએ, એવો ઝડપી વિચાર તેના મનમાં ફરી વળ્યો.

‘જય જમનામૈયા કી ! શાહજાદા લાગો છે !’ ભાંગ રગડતા સાધુએ કહ્યું. ઔરંગઝેબ સાધુની પાસે આવી લાગ્યો હતો. એના એકબે અંગરક્ષકો એની પાછળ દૂર હતા.