પૃષ્ઠ:Hira ni chamak.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હીરાની ચમક : ૧૯૫
 


જ છે.’ સાધુએ કહ્યું.

‘અને ન આવે તો ? કેટલાં વર્ષમાં તમારું ભવિષ્ય ખરું પડવાનું છે ?’ ઔરંગઝેબે જરા તિરસ્કારપૂર્વક હસીને કહ્યું.

‘આ વર્ષમાં જ, શાહજાદા !’ સાધુએ કહ્યું.

‘એમ ન થાય તો.... આ જમનાકિનારે તમારે મુસલમાન બની જવું... કબૂલ છે ?’ ઔરંગઝેબે પૂછ્યું.

‘મને સાધુને ઇસ્લામ અને આર્ય ધર્મ સરખા જ છે. અમે વ્યસની સઘળા વટલેલા. એકકે ધર્મ અમારો નહિ. જીવનમૃત્યુની રમત જોતા અમે મસ્તાન ધર્મછાપથી પર થઈ ચૂક્યા છીએ. શાહજાદા ! મારું એ ભવિષ્ય ભાખેલું ખરું પડે તો તમારા બીજા ભવિષ્ય તરફ પણ તમે નજર કરજો. એ પણ મને દેખાય છે.’

‘એમ ? મને બિવરાવવો છે કે ચમકાવવો છે ?’ ઔરંગઝેબે પૂછ્યું.

‘બેમાંથી એકકે નહિ ! ચમકાવવા હોત કે બિવરાવવા હોત તો હું તમારી શહેનશાહતને જોઈ શક્યો ન હોત... ખૂબ ખૂબ ખીલશે... મહાન કહેવાશો.... આખું હિંદ એક વાર તમારા ચરણ તળે હશે. પરંતુ મને સંકોડશો તો આખી શહેનશાહત તમારા દેખતાં જ ડગ મગી જશે.’ સાધુએ ઊંડે ઊંડે જોઈને કહ્યું.

‘બીજું કંઈ ?’ શાહજાદા ઔરંગઝેબે જરા રમૂજથી આ વ્યસની સાધુને ખીલવવા પ્રયત્ન કર્યો.

‘અને બીજું એ જ કે આપની ડગમગતી મોગલાઈ ઉપર છેલ્લો નિઃશ્વાસ નાખવા આપ જમનાકિનારે આવી પણ શકશો નહિ, જે જમનાકિનારા ઉપર આપ મને પ્રશ્ન કરી રહ્યા છો તે !’ કહીને ભાંગનો લોટો ભરી આખો લોટો સાધુએ ગટગટાવ્યો. ‘જય જમનામૈયા’ કહી સાધુએ જમનાજળમાં કુદીને ડૂબકી મારી. થોડી વાર સુધી ઔરંગઝેબ તેને જોઈ રહ્યો, પરંતુ એને પાણી બહાર નીકળેલો ન જોતા બેદરકારીથી ટહેલતો ટહેલતો તે પાછો ફર્યો.