પૃષ્ઠ:Hira ni chamak.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬ : હીરાની ચમક
 



ખાનદેશને ગુજરાતને એક બનાવતી નદી સૂર્ય દેહા – તાપીને એક કિનારે બુરહાનપુર નગર અને સામે કિનારે ઝઈનાબાદી મહેલ અને મહેલની આસપાસ વિશાળ બગીચો. મોગલ સૂબાઓની સૂબાગીરી સૂબાઓને મુલ્કી અને લશ્કરી બંને સત્તાઓ આપતી. સૂબો આખા સૈન્યનો સેનાપતિ પણ ખરો, અને રાજ્યભાગ તથા ખંડણી ઉઘરાવનાર શ્રેષ્ઠ અમલદાર પણ ખરો. કામ વ્યવસ્થિત ગોઠવાઈ ગયેલાં હોય એટલે જ્યાં સુધી કોઈ નાજુક કે જોખમભર્યું કામ માથે ન આવે ત્યાં સુધી સૂબાઓને મોજશોખ માટે તથા રંગરાગ માટે ઘણો વખત મળતો. ખાનદેશના સૂબા મીર ખલીલને તો બુરહાનપુરમાં કચેરીએ જવું પડે અને પ્રાંતમાં ફરવું પણ પડે. પરંતુ સૂબાની બેગમને કચેરીમાં કોઈ કામ હોય નહિ, મહેલ અને બાગબગીચો મૂકી ફરવાનું મન થાય નહિ એટલે મીર ખલીલની પત્ની તો તાપીકિનારે ઝઈનાબાદ બગીચામાં જ પોતાનો સમય પસાર કરતી. સાહેબી અને ઠઠારામાં સૂબાગીરી શાહી રૂઆબને પગલે ચાલતી એટલે સૂબાની બેગમની આસપાસ અનેક નોકર-સ્ત્રીઓ હાજર રહેતી. કોઈ નોકરડીને ગાતાં આવડે, કોઈ નોકરડીને કેશગૂંથણ આવડે, કોઈ ગુલામસ્ત્રી ગંભીર વાર્તા કહેવાની કલામાં પ્રવીણ હોય તો કોઈ કોઈ ગુલામસ્ત્રી હાસ્યરસની વાર્તા કહેવાનાં પ્રવીણ હોય. કોઈ સ્નાનક્રિયામાં પ્રવીણ હોય, કોઈ વસ્ત્રાભૂષણની ક્રિયામાં પ્રવીણ હોય. કોઈ શતરંજ-ચોપાટ પણ સરસ ખેલી શકતી હોય અને કોઈ દોડવાની રમતમાં પ્રવીણ હોય. કોઈ નોકરસ્ત્રી સખી બની સૂબાના મહેલની અને મોગલ રાજમહેલની ભેદભરમની વાત કહેતી હોય, તો કોઈ મૌન સેવતી દાસી આખા જનાનખાના ઉપર જાસૂસી કરતી હોય. બેગમ સાહેબાને જે વખત જેવી જાતનો આનંદ જોઈતો હોય તેવે વખતે તેવી જાતનો આનંદ આપવા માટે ગુલામસ્ત્રીઓનું એક મોટું સૈન્ય સૂબાના મહેલમાં બેગમની આસપાસ તૈયાર જ હોય. એ યુગમાં ગુલામગીરીની પ્રથા