પૃષ્ઠ:Hira ni chamak.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામશિક્ષકનું એક ગૌરવ : ૯
 


‘હજી એ વાત સાંભરે છે ખરી ? પંદર-સોળેક વર્ષનીતું હોઈશ. આજ તો એ પ્રસંગને બાર પંદર વર્ષ વીતી ગયાં. હું તો આખી વાત લગભગ ભૂલી ગયો હતો; અને કદી કદી સાંભળતો હતો કે તારો સંસાર સુખભર્યો છે એટલે મને સંતોષ થતો.’ ગિરિજાશંકરે વાત આગળ લંબાવી.

‘એ પ્રસંગને હું કેમ વીસરું ? — જનમ જનમ વીતી જાય તો યે ? તમે ન હોત તો મારું સુખ અને મારું સૌભાગ્ય હતું જ ક્યાં ?’

અને વીજળીની ચમક ચમકે એમ ગિરિજાશંકરના જીવનમાં બની ગયેલો એક નાનો સરખો એકલવાયો પ્રસંગે તેમની સ્મૃતિમાં ચમકી ગયો.

જડી—જયાના પિતા એક દિવસ એક કાગળનું પરબીડિયું લઈ માસ્તર સાહેબ પાસે આવ્યા; થોડી વાર પછી જયાની માતા પણ પતિની પાછળ આવી પહોંચી. જ્યારે પિતાએ ગિરિજાશંકર માસ્તર પાસે તે પરબીડિયું મૂકી દીધું અને કહ્યું :

‘માસ્તર સાહેબ ! જરા વાંચો ને?’

માસ્તર સાહેબે પત્ર વાંચ્યો. વાંચતાં જ તેમનું મુખ ગંભીર બની ગયું. જયાનું વેવિશાળ જે યુવક સાથે થયું હતું એ યુવકને ગામડાની અભણ કરી સાથે પરણવાનું મન ન હોવાથી સગપણ તોડી નાખવાની ઈચ્છા દર્શાવતો જયાના સસરાનો પત્ર જયાના પિતા ઉપર આવેલો હતો. માતાપિતા આ પત્ર વાંચી હતાશ થઈ ગયાં હતાં. ધનિક અને સુખી કુટુંબના વડીલ પુત્ર સાથે પોતાની પુત્રીનું લગ્ન થાય એવી અભિલાષા–ખાતરી કેટલા સમયથી જયાનાં માબાપ રાખી રહ્યાં હતાં. અને જયા પણ લગ્નની રાહ જોતી સુખી જીવનનું સ્વપ્ન સેવી રહી હતી. એને પણ આ વાતની ખબર પડી અને આખું કુટુંબ ક્લેશ અનુભવી રહ્યું.

ગામમાં સાચી સલાહ આપનાર હતા માત્ર એક ગિરિજાશંકર માસ્તર, એટલે જયાનાં માતાપિતા તેની પાસે જ આવ્યાં અને અશ્રુભરી