પૃષ્ઠ:Hira ni chamak.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હીરાની ચમક : ૨૦૧
 


જવાનો છે !’ હીરાએ જવાબ આપ્યો.

‘હું તને તારા દાસી પદમાંથી ઊંચકી મારી પરિણીત બેગમ બનાવું તો ? તો પછી તને મારા પ્રેમની ખાતરી તો થશે ને ?’ ઔરંગઝેબે અત્યંજ આર્જવપુર્વક કહ્યું.

‘મોગલ શાહજાદાઓને બેગમોની ક્યાં ખોટ પડે એમ છે? પ્રેમની વાત કહી એટલે હું દાસી હોઉં કે બેગમ હોઉં તો પણ એક વાર મેં શર્ત મૂકી તે પાછી ખેંચી લઉં તો હું આપના મનથી પણ જોતજોતામાં ઊતરી જઈશ. બેગમ બનવાનું ભાગ્ય હોય તો યે મારી આ શર્ત એક વાર કબૂલ થાય તો જ મારા મનને ખાતરી થાય !’ હીરાએ કહ્યું.

ઔરંગઝેબ ખૂબ વિચારમાં પડ્યો. તેણે હીરાને ઘણું ઘણું સમજાવી. પરંતુ તે એકની બે થઈ નહિં. ઔરંગઝેબ હીરા પાછળ એટલો ઘેલો થયો હતો, અને એની ઘેલછા એટલી બધી વધતી જતી હતી, અને બાહોશ કલાધરી હીરા એ ઘેલછાને ધીમે ધીમે એટલી પ્રજ્જવલિત કરતી જતી હતી કે અંતે ઔરંગઝેબે તેને કહ્યું :

‘લાવ હીરા ! જીવનમાં પહેલી જ વાર તારા પ્રેમને ખાતર, તારા ભાવિની ખાતરી આપવા માટે, કદી ન કરેલું કાર્ય કરી એક ઘૂંટડો શરાબ તારે હાથે પીશ.’ અને હીરાએ પોતાની પાસેથી એક નાનકડી રૂપાળી સુરાઈ બહાર કાઢી. સુંદર કાચના પ્યાલામાં થોડો સરખો શરાબ રેડ્યો અને તે ઔરંગઝેબના મુખ સામે ધર્યો.

ઓરંગઝેબે જેવો પ્યાલાને હોઠે અડાડ્યો કે તરત હીરાએ પ્યાલાને પાછો ખેંચી લીધો અને ઔરંગઝેબને અત્યંત પ્રસન્નતાપૂર્વક તે નિહાળી રહી.

‘કેમ હીરા ! શું થયું ? પ્યાલો કેમ પાછા ખેંચી લીધો ?’

હીરાને આપે તો બેગમ બનાવવાનું વચન આપ્યું. દાસી મટી બેગમ બનવાની લાયકાત હીરામાં હોય તે હીરા કદી એક પાક મુસ્લિમ શાહજાદાને શરાબનો ઘૂંટડા પાઈ ભ્રષ્ટ ન જ કરે, નામવર ! મને ખાતરી થઈ ગઈ કે આપનો પ્રેમ સાચો જ છે. સામેથી મારો પ્રેમ