પૃષ્ઠ:Hira ni chamak.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામશિક્ષકનું એક ગૌરવ : ૧૧
 


પોતે જ હાથમાં લેવું પડશે, અને પ્રથમ કાગળ જેવા જ ઘૂંટાયેલા અક્ષર અને એવા જ પત્રો ફરીથી લખવાની શક્તિ જયામાં જલદીથી આવે એવી કેળવણી પણ તેને માસ્તરે પોતે જ આપવી પડશે. દીકરીનું લગ્ન કરવા માટે અને એ લગ્ન સુખી નીવડે એ જોવાની માબાપે ફરજ બજાવવી હોય તો ગિરિજાશંકરને મતે આ એક જ માર્ગ હતો.

બીજો ઈલાજ ન હોવાથી માતાપિતાએ ગિરિજાશંકરની સલાહ માન્ય કરી; ગિરજાશંકર હતા તો ગામડાના માસ્તર છતાં ભાવનાશીલ હતા, વાચન શોખીન હતા; એમની ગુંજાયશ અનુસાર માસિકો, કવિતાસંગ્રહો અને વાર્તાઓ મંગાવી તેના વાચનમાં જ પોતાની ભાવનાસિદ્ધિ વેરી દેતા હતા. આવો મુશ્કેલ પ્રસંગ આવતાં તેમને પણ એક નવલકથાને શોભે એવી આ કલ્પના સ્ફુરી અને તેનો તેમણે અમલ પણ કર્યો. પોતાની પુત્રીને જ મર્યાદામાં રહીને આખી પરિસ્થિતિ સમજાવતા હોય એમ તેમણે જડીને સમજાવી. જડીનું નામ તેમણે જ જયા પાડ્યું. અને શરમના શેરડા અનુભવતી જયાને પોતે જ તેના પતિને લખેલો પત્ર વાંચી સંભળાવ્યો – જે જયાને અડધો સમજાયો અને અડધો ન સમજાયો. ગિરિજાશંકરે લખેલા પત્રમાં કોઈ ખામી તો હોય જ નહિ. પત્ર નાનો પરંતુ પ્રેમાનંદ અને કલાપીનાં એકબે અવતરણોથી શુશોભિત બનાવેલો હતો. જયાની સહી પણ માસ્તર સાહેબે પોતે જ કરી હતી. શરમાતાં શરમાતાં જયાએ એ પત્ર પોતાની પાસે એક દિવસ રાખ્યો પણ આખરે પોસ્ટ માસ્તર પણ ગિરિજાશંકર જ હતા. એટલે તેમણે એ પત્રને ટપાલમાં નાખ્યો પણ ખરો; અને જે જવાબ આવ્યો તે પણ તેમણે પિતા સરખી આતુરતા અનુભવી ફોડી વાંચ્યો પણ ખરો; અને જયાના સસરાની જ નહિ પરંતુ જયાના ભાવિ પતિની પણ જયા સિવાય બીજી કોઈ પણ યુવતી સાથે લગ્ન કરવાની દૃઢ અનિચ્છા જયાનાં માબાપને તેમણે વાંચી સંભળાવી.

પરંતુ સાથે સાથે તેમણે અત્યંત કડકાઈથી જયાનું શિક્ષણ