પૃષ્ઠ:Hira ni chamak.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪ : હીરાની ચમક
 

 માસ્તર ગિરજાશંકરને આજ લાગ્યું કે તેમની શાળા હાથમાંથી ગઈ હોવા છતાં શિક્ષકનો ધંધો છેક સાહસ અને ગૌરવરહિત છે એમ તો ન જ કહેવાય. તેમનો રહ્યો સહ્યો અસંતોષ દૂર થયો અને ગુરુસ્થાનનું ગૌરવ તેમના મુખ ઉપર લખલખી રહ્યું.

એટલું જ બસ છે. પછી તેઓ પોતાની શિષ્યાએ મૂકેલી કારમાં જાત્રાએ ગયા કે નહિ, શિષ્યા અને તેના પતિનું તેમણે કેટલું સ્વાગત કર્યું, અને શિષ્યાએ અને તેના પતિએ ઉપકારવશ બની આ જ ગામમાં એક ભવ્ય શાળા બંધાવી તેના ખર્ચની મબલખ જોગવાઈ કરી આપી, એટલું જ નહિ પરંતુ આજે એ શાળા કેળવણીકારોમાં આદર્શ શાળા ગણાય છે. એ બધી વસ્તુઓ અહીં અપ્રસ્તુત છે. એ કશું ન બન્યું હોત તો પણ ગિરિજાશંકર માસ્તરે એ રાત્રે શિક્ષક તરીકેના ગૌરવનો પરમ ભવ્ય અનુભવ કર્યો.

શિક્ષકને બીજું કાંઈ નહિ તો નમન મળ્યા વગર રહેતું જ નથી. સ્વાર્થહીન નમન આ દુનિયામાં શિક્ષક સિવાય કોને મળે છે?

નમન પણ મળ્યાં ને ન મળ્યાં એ ઠીક છે. પરંતુ પ્રકાશની ફૂલકણીઓ ફેંકતાં ફેંકતાં શિક્ષકની વાણીઓ અને શિક્ષકની કાળજીએ કેટલાંય જીવનમાં નૂતન જ્યોત સળગાવી નહિ હોય ?

કેટલાંય જૂઠાણાં પાપ ન પણ હોય, એવી ખાતરી ગિરિજાશંકર માસ્તરને એ રાત્રે થઈ ગઈ.