પૃષ્ઠ:Hira ni chamak.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




સાચી અર્ધાંગના

માનવીને પૂર્વજન્મ કે પુનર્જન્મ હશે ખરો? આર્ય ફિલસૂફી એમાં માને છે; આજની દુનિયાને એનો પુરાવો મળતો નથી. પરંતુ અતિ જૂની દુનિયાની અરુંધતીને તો વારંવાર ભણકારા વાગ્યા જ કરતા હતા, કે એકાદ મન્વંતર પૂર્વે તે બ્રહ્માની માનસપુત્રી હતી અને તેને સહુ કોઈ ‘સંધ્યા’ને નામે બોલાવતા હતા. સંધ્યાને એક પાસ તપશ્ચર્યાનું બહુ મન, અને બીજી પાસ કોઈ સુયોગ્ય તપસ્વી પતિ પ્રાપ્ત કરવાનું મન. સંધ્યા તપશ્ચર્યા કરવા બેસે ત્યારે તેની આંખ સામે રૂપભર્યો કોઈ યુવાન ઋષિપુત્ર જ દેખાયા કરે; અને ઋષિપુત્રના ધ્યાનમાં તે લીન બની જાય ત્યારે ઋષિના સૌંદર્ય કરતાં ઋષિના તપનો તેને મોહ લાગે. આમ મોહ અને તપ વચ્ચે સૌન્દર્ય અને વિરાગ વચ્ચે, તેનું મન સતત ઝોલાં ખાતું હતું.

તપશ્ચર્યાનો શોખ તેને તપોવનમાં ફેરવતો હતો. અને કોઈક ક્ષણે એક સુંદર તપસ્વી તેની દૃષ્ટિએ પડ્યો. અને એ તપસ્વી તેના હૃદયમાં ચોંટી ગયો. તપસ્વીને તેણે પૂછ્યું :

‘હે તપોનિધિ ! મારું મન તમે વાંચી શકો છો?’

‘હા’ તપસ્વીએ સ્મિતભર્યો જવાબ આપ્યો.

‘તો મારી ઇચ્છા આપ પૂર્ણ ન કરો?’ સંધ્યાએ કહ્યું.

તપસ્વી સમજી ગયો. તેને લાગ્યું કે આ યુવતી તેના ઉપર મોહ પામી છે. તપસ્વીને આ યુવતી ગમતી ન હતી એમ તો તપસ્વીથી પણ કહેવાય એવું હતું નહિ. પરંતુ ‘હા’ કહેવા જતાં તપસ્વીને ભાન આવ્યું કે હજી તેને યોગનાં કેટલાક સોપાનો ચઢવાં