પૃષ્ઠ:Hira ni chamak.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬ : હીરાની ચમક
 


બાકી છે, એટલે ‘હા’ કહેવાને બદલે તપસ્વીએ તેને જવાબ આપ્યો ‘હે સુનયને ! ઈચ્છા પૂર્ણ કરનાર તો એક પ્રભુ છે, તેની પાસે ઈચ્છા વર માગો. મારું તો ત૫ હજી અધૂરું છે. તપ પૂર્ણ થયે હું આપને પ્રાપ્ત કરું તો તેને મારું સુભાગ્ય માનીશ.’

આટલું કહ્યું-ન-કહ્યું ત્યાં તે તપસ્વી યુવક અદૃશ્ય થઈ ગયો. સંધ્યા એકલી પડી. એને પોતાની જાત ઉપર સહેજ રીસ ચડી. આમ ના કહી ચાલ્યો જતો પુરુષ જ તેને મળવો જોઈએ અને તે પોતે પુરુષસમોવડી જ બનવી જોઈએ. એ જ સ્થળે બેસી એણે ઘોર તપ આદર્યું અને સાક્ષાત્ ભગવાન તેની સમક્ષ પ્રગટ થયા. તપસ્વિનીને ભગવાને કહ્યું :

‘શા અર્થે આ તપ આદર્યું છે, પુત્રી ?’

‘પ્રભુ ! માગું છું એ પતિ મને મળો.’ સંધ્યાએ કહ્યું.

‘તથાસ્તુ ! બીજું કાંઈ માંગવું છે?’ પ્રભુએ સંધ્યાને પ્રસન્ન થઈ બીજો વર માગવા કહ્યું.

‘પ્રભો ! હું પૂછું છું કે સંસારમાં ઉત્પન્ન થતા પ્રત્યેક પ્રાણીના હૃદયમાંથી કામ અદૃશ્ય થાય એમ ન બને ?’ સંધ્યાનો આ પ્રશ્ન પ્રભુને પણ હસાવી રહ્યો. પ્રભુએ કામવિકારને જ સંસારને આદ્ય આધાર બનાવ્યો હતો; સંસારનો સ્રોત બંધ કરવો હોય તો જ પ્રભુ કામવાસનાને ઉજાડી શકે. હસતાં હસતાં પ્રભુએ સંધ્યાને કહ્યું : ‘પતિને માગી રહેલી યુવતી, જીવ સૃષ્ટિમાં તો કામ મારી ઈચ્છાનો વાહક છે. એટલે તું પૂછે છે એમ કરવું એ તારા હિતમાં નથી. કામ નહિ હોય તો તારો પતિ તારે માટે પથ્થરનું પૂતળું બની જશે. છતાં તારી ઈચ્છા છે તો માનવીની બે અવસ્થામાંથી કામને અદૃશ્ય કરું છું.’

‘એ કઈ બે અવસ્થા? પ્રભો !’

‘એક બાલ્યાવસ્થા અને બીજી વૃદ્ધાવસ્થા. કૌમાર અને યૌવનમાં કામનું પ્રાબલ્ય ન રહે તો જીવન ખારોપાટ બની જાય.’

‘હું તો, પ્રભો ! યુવાવસ્થા ભોગવું છું. કામ રહિત અવસ્થા