પૃષ્ઠ:Hira ni chamak.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાચી અર્ધાંગના : ૧૭
 


તો હવે મારે માટે નહિ જ ને ?’ સંધ્યાએ પૂછ્યું.

‘દેહ બદલવો પડશે, દીકરી !’

‘એ પણ એક સરસ રમત છે, નહિ પ્રભુ ! કામ રહિત અવસ્થામાંથી કામ કેમ પ્રગટ થાય છે તેનો અભ્યાસ કરતી હું મારા મનમાન્યા પતિને મેળવું અને સતત પતિસમોવડી બની પતિ સાથે જ સ્થાન પ્રાપ્ત કરું એવી મનેકામના પૂર્ણ કરો.’

‘તથાસ્તુ, સંધ્યા ! ચંદ્રભાગાને તીરે એક મહા તપસ્વી મેધાતિથિ બાર વર્ષથી જ્યોતિષ્હોમ યજ્ઞ કરી રહ્યા છે. એ યજ્ઞના ફળરૂપે હું તને એની પુત્રીનો અવતાર આપું છું. એ જીવનમાં તારી મનેકામના પૂર્ણ થશે.’ એટલું કહી પ્રભુ અદૃશ્ય થયા. સંધ્યાએ પોતાને દેહ છોડ્યો કે સદેહે યજ્ઞકુંડમાંથી પુત્રી રૂપે પ્રગટ થઈ, એનો ખ્યાલ અરુંધતીને સ્પષ્ટ ન હતો. પરંતુ અરુંધતીના પિતા મેઘાતિથિ તેને વારંવાર ‘યજ્ઞની પરમ પ્રસાદી’ તરીકે ઓળખવતા હતા, એટલે ધીમે ધીમે તેના મનમાં એ વાત તો દૃઢ જ બનતી ચાલી કે એ યજ્ઞકુંડમાંથી અવતરી છે.

પ્રત્યેક માનવજન્મ અગ્નિકુંડનો જ આવિર્ભાવ નહિ હોય એમ કોણે કહ્યું?

એ જે હોય તે, અરુંધતીને પોતાના પૂર્વજન્મનો આખો ખ્યાલ આવી ઢબે એક જ ક્ષણે અને એક જ દિવસે આવ્યો હોય એમ તો અરુંધતી પણ માનતી ન હતી. એના જીવન ટુકડા ભેગા કરતાં કરતાં તેને પૂર્વજન્મની આ ઢબે સ્મૃતિ જાગી હતી.

બાર બાર વર્ષ સુધી સળંગ યજ્ઞ કરના મેધાતિથિ એક સમર્થ મુનિ હતા, અને નાનકડી અરુંધતીનું અપૂર્વ વાત્સલ્યથી લાલન પાલન કરતા હતા. અરુંધતીને માતા હતી કે નહિ તે યાદ જ આવતું નહિ. યજ્ઞકુંડમાંથી યજ્ઞનારાયણના આશીર્વાદરૂપે અર્પણ થએલી અરુન્ધતીને જન્મ પામવા માટે માતાની જરૂર હોય કે નહિ તેનો ખ્યાલ