પૃષ્ઠ:Hira ni chamak.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮ : હીરાની ચમક
 


ન હતો. જન્મ આપતાં જ કદાચ તેની માનવ માતા મૃત્યુ પામી હોય તો તેની પણ ખબર અરુંધતીને પડી ન હતી – પિતા મેધાતિથિએ એ ખબર પડવા દીધી જ ન હતી. અરુંધતીને મન મેધાતિથિમાં જ માતા અને પિતા સંક્રાંત થયાં હતાં. અને બાળકીની પરવરીશ મેધાતિથિ એટલી કુમળાશથી કરતા હતા કે અરુંધતીને માતા અને પિતાના હાથ વચ્ચે ફેર જરા પણ લાગ્યો ન હતો. મેધાતિથિ હતા તો અગ્નિહોત્રિ, વિરાગી અને કર્મકાંડી, પરંતુ અરુંધતીના ઉછેરનો પ્રશ્ન આવતાં એ ઉછેર જ તેમનો યજ્ઞ, વિરાગ અને કર્મકાંડ બની જતાં. ઋષિઆશ્રમમાં બાળકો તો હોય જ અને બાળકોને બાળઇચ્છાઓ પણ પ્રગટ થાય. બાળ-અરુંધતીની સર્વ બાળઈચ્છાઓ મેધાતિથિ પૂરી કરતા. અરુંધતીને તેઓ રમાડતા, નવરાવતા, જમાડતા, સુવાડતા; તેને ગમતી વાર્તાઓ કહેતા અને તેને વેદની ઋચાઓ, ગીતો અને હાલરડાં પણ સંભળાવતા અને શીખવતા. કોણે જાણ્યું કે એ અરુંધતી માટે ચીંથરાની ઢીંગલીઓ નહિ બનાવતા હોય, માટીના શિવ-પાર્વતી નહિ બનાવતા હોય, અગર બરૂના રાજમહેલ અને રાચરચીલાની આકૃતિઓ નહિ બનાવતા હોય?

જરૂર, મેધાતિથિની વાર્તામાં ઈંદ્ર અને ઈંદ્રાણી પણ આવતાં હતાં; અગ્નિ અને સ્વાહા આવતાં હતાં, સૂર્ય અને છાયા આવતાં હતાં, ચંદ્ર અને રોહિણી પણ આવતાં હતાં. પરંતુ આ સર્જનચક્રમાં દેવ અને દેવી, રાજા અને રાણી, તથા પુરુષ અને સ્ત્રી વારંવાર આવતાં હોવા છતાં તે શા માટે આવતાં હશે એની અરુંધતીને ખબર પણ ન હતી, અને એ જાણવાની જિજ્ઞાસા પણ તેને ન હતી. જન્મે છે, જીવે છે અને મરે છે એ ત્રણે સત્ય તેના માનસ ઉપર અથડાતાં ખરાં, પરંતુ એ કેવી રીતે જન્મે છે, જીવે છે અને મરે છે તેનો ખ્યાલ તેને આવતો નહિ. વાર્તામાં કોઈ દેવ જીતે તો અરુંધતીને આનંદ થતો, અને કોઈ રાક્ષસ જીતે તો શોક થતો; કોઈ દેવકન્યા કે ઋષિકન્યાને દુ:ખ પડ્યું એમ સાંભળે તો તે રડતી પણ ખરી, અને અણીને વખતે ઈશ્વર કોઈ કન્યાને બચાવી લેતા ત્યારે તે આનંદથી