પૃષ્ઠ:Hira ni chamak.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦ : હીરાની ચમક
 


સાવિત્રી, ગાયત્રી, બહુલા, સરસ્વતી તથા દ્રુપદા વિશિષ્ટ, માનપાત્ર ગણાતી હતી. પુરુષોની સમી વિદ્રત્તા અને તપશ્ચર્યા તેમણે પ્રાપ્ત કર્યાં હતાં. અને અનેક કૂટ પ્રશ્નો ઉકેલવા પુરુષવિદ્વાનો પણ એ બ્રહ્મવાદિનીઓ પાસે માનપૂર્વક આવતા અને પ્રશ્નોની સ્પષ્ટતા કરાવી જતા. મેધાતિથિએ તપાસ કરાવી તો તેમને ખબર મળી કે આ સર્વ સન્નારીઓ માનસપર્વત ઉપર ભેગી થઈ છે. જનકલ્યાણની યોજનાઓ વિચારી રહી છે, અને જનકલ્યાણમાં સ્ત્રીઓનો કેવો ફાળો હોવા જોઈએ તેની યોજનાઓ ઘડી રહી છે.

પુત્રીને લઈને મેધાતિથિ માનસપર્વત ઉપર ગયા. સત્રમાં ભેગી થયેલી વિશ્વવિખ્યાત સન્નારીઓનાં તેમણે દર્શન કર્યા. મેધાતિથિ જેવા તપસ્વી તેમના સત્રમાં પધારે તેમાં સ્ત્રી સભાને પણ વિશિષ્ટતા લાગી. અંતે મેધાતિથિ પ્રમુખસ્થાને બિરાજેલાં સાવિત્રીની પાસે ગયા. અને અરસપરસ વિવેકવિધિ પૂર્ણ થતાં સાવિત્રીએ મેધાતિથિને પૂછ્યું : ‘આપ પધાર્યા તેથી બહુ આનંદ થયો. આપના વ્યાખ્યાન વગર તો અમે આપને ન જ જવા દઈએ ને ?’

‘આપની આ મહિલા પરિષદનાં મને દર્શન થયાં એ જ મારે માટે બસ છે. આપને હું શું વ્યાખ્યાન આપી શકું? હું તો માત્ર એક જ ઉદ્દેશથી અત્રે આવ્યો છું. આ મારી પુત્રી અરુંધતીનું ગુરુપદ આપ સ્વીકારો ને એને કલ્યાણને માર્ગે લઈ જાઓ.’ મેધાતિથિએ કહ્યું.

સાવિત્રીની આંખ તો ક્યારની અરુંધતી ઉપર ઠરી હતી. અંતશ : તેઓ સમજી પણ ગયાં હતાં કે મેધાતિથિ પોતાની પુત્રીના આશ્રમસંસ્કારણ માટે જ અહીં પધાર્યા હશે. તેમણે બાળ અરુંધતીને પ્રેમપૂર્વક પોતાની પાસે બોલાવી, બેસાડી, તેના મસ્તક ઉપર હાથ ફેરવી મેધાતિથિને કહ્યું : ‘અરુંધતી આપની પુત્રી છે એટલે એને કલ્યાણને માર્ગ તો મળી જ ચૂક્યો છે. અભ્યાસનો સમય એનો થયો છે એ વાત સાચી. આપ એને મારી કે બહુલાની પાસે ભલે મૂકતા જાઓ; એ અમારી પુત્રી જ બની રહેશે.’