પૃષ્ઠ:Hira ni chamak.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાચી અર્ધાંગના : ૨૧
 

 ગુરુપદે પહોંચેલી તત્ત્વજ્ઞાની સ્ત્રીઓને વિદ્યાર્થિનીઓ પુત્રરૂપ જ હતી. અરુંધતીને પણ આ પરિષદની પ્રવૃત્તિઓ ખૂબ ગમી ગઈ અને સ્ત્રીઆશ્રમની નવીનતા પણ તેના દિલને સ્પર્શી ગઈ. પાસેના ડુંગરમાં અન્ય ઋષિ આશ્રમો પણ હતા. ત્યાં થોડા દિવસ મેધાતિથિએ નિવાસ કર્યો અને અરુંધતી, આશ્રમકન્યાઓ તેમ જ આશ્રમની અધિષ્ઠાત્રીઓ સાથે હળીભળી ગઈ ત્યાં સુધી મેધાતિથિ પાસે જ રહ્યા અને વારંવાર અરુંધતી પાસે આવતાજતા રહ્યા.

હવે બાળ અરુંધતીનો રીતસર અભ્યાસ શરૂ થયો. અક્ષરજ્ઞાન, વાચન, વ્યાયામ, રમતગમત, સૂપવિદ્યા એ સર્વમાં ક્રમશ:પ્રવેશ થવા માંડ્યો. અને અરુંધતીએ શિક્ષિકાઓને પણ આશ્ચર્ય ઉપજાવે એવી મેધા દર્શાવવામાં માંડી. આર્ય શિક્ષણનો પટ પણ કંઈ નાનોસુનો ન હતો. આજ પણ જૂની ઢબની વિદ્યા પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછાં બાર વર્ષ તો ગાળવાં જ પડે છે. ચૌદ વિદ્યા અને ચોસઠ કળાનું શિક્ષણ પ્રાપ્ત કરનારને કદાચ આજના યુગના કોઈ પણ શિક્ષણની જરૂર ન રહે એવો આર્ય શિક્ષણનો પ્રાચીન વિસ્તાર હતો. ને એ વિસ્તાર ઉપર ફરી વળવાની જેમ પુરુષને છૂટ હતી તેમાં સ્ત્રીએને પણ છૂટ હતી. અરુંધતીએ શિક્ષણવિસ્તારમાં ડગ ભરવા માંડ્યાં અને વર્ષોવર્ષ આગળ અને આગળ વધતાં તેણે બાર વર્ષમાં તો એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, કે ભારતવર્ષની વિદ્વાન સ્ત્રીઓમાં આ કિશોરીનું નામ સહજ સંભળાવા લાગ્યું. કદી કદી તેને પ્રમુખસ્થાને સત્રો ભરવાની પણ વિનવણીઓ આવવા લાગી; જે સાવિત્રીએ — આશ્રમની મુખ્ય અધિષ્ઠાત્રીએ–સ્મિતભર્યા મુખે નકારી પણ ખરી ! એ કહેતી :

‘હજી અરુંધતીને એક શાસ્ત્ર શીખવાનું બાકી છે. તે સિવાય એ પ્રમુખપદે શોભે નહિ.’

અરુન્ધતીને પણ જરા આ બોલ સાંભળી આશ્ચર્ય લાગતું ખરું. કયું એ શાસ્ત્ર શીખવાનું હજી બાકી હશે ? પરંતુ આમન્યાની ખાતર એણે અધિષ્ઠાત્રીને પૂછવાની હિંમત કરી નહિ. પરંતુ એક