પૃષ્ઠ:Hira ni chamak.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાચી અર્ધાંગના : ૨૫
 

 પણ કેમ ન કરવાં ? થોડીક ક્ષણ અરુંધતી ઊભી રહી, એટલામાં અરુંધતિને આ બધા વિચાર આવ્યા અને તે આગળ વધી. કોણ જાણે કેમ, બહુલાના આશ્રમની પ્રાર્થના તેને ખેંચતી હતી કે આ તપસ્વી પુરુષને વધારે સાનિધ્યમાં નિહાળવાની વૃત્તિ તેને આગળ ખેંચતી હતી ?

થોડાં ડગલાં અરુંધતી આગળ વધી અને પદ્માસનની તૈયારી કરતા મુનિ કુમાર પાસે આવી પહોંચી. રસ્તો જ ત્યાં થઈને જતો હતો, એટલે પણ અરુંધતીને એ તપસ્વી પાસેથી ગયા વગર છૂટકો ન હતો. પાસે આવતાં અરુંધતીએ મુનિકુમારને નમસ્કાર કર્યા અને તે સાથે જ મુનિકુમારે પણ સામે નમસ્કાર કર્યા.

‘કોણ હશો બ્રહ્મકુમારી? ક્યાં જશો?’ તપસ્વી યુવકે પૂછ્યું.

‘હું અરુંધતી, સાવિત્રીના આશ્રમમાં રહું છું અને બહુલાના આશ્રમમાં જાઉં છું.’

‘દર્શન પહેલાં જ શ્રવણે આપને ઓળખ્યાં હતાં.’

‘મને મારા, નામને શું આપ જાણતા હતા ? આપ કોણ છો?’ અરુંધતીથી પુછાઈ ગયું.

‘આપ ધારો છો એના કરતાં વધારે પ્રસિદ્ધ છો. આર્યાવર્તનો સ્ત્રીસમૂહ આપનામાં નૂતન બ્રહ્મવાદિની જુએ છે. નજરે તો પહેલી જ વાર પડ્યાં. મારું નામ વસિષ્ઠ. હું એક મુનિકુમાર છું. એક જ શૃંગ ઉપર બાર વર્ષ તપ તપ્યો. બ્રહ્મ દેખાય દેખાય અને અદૃશ્ય થાય ! આજે શૃંગ બદલ્યું છે. જોઉં કે આ સાયં સંધ્યામાં બ્રહ્મ મારા ધ્યાનમાં પકડાય છે કે નહિ ?’

‘મને, તો લાગ્યું કે બ્રહ્મ તમારો જ આકાર ધારણ કરી શૃંગ ઉપર ઊતરે છે. તમારી પાછળનાં સૂર્યકિરણોએ એ ભ્રમ ઊભો કર્યો !’ અરુંધતીએ કહ્યું અને વસિષ્ઠ આ કુમારીના નિર્દોષ મૌગ્ધ્યને સ્મિતપૂર્વક પિછાન્યું.

‘એ ભ્રમ જ હતો, કુમારી ! મારું ત૫ હજી અધૂરું છે. સહજ નીચે ઉતરશો એટલે બહુલાનો આશ્રમ દેખાઈ આવશે. હું