પૃષ્ઠ:Hira ni chamak.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬ : હીરાની ચમક
 


આવું બતાવવા ?’

‘ના, જી ! આશ્રમ મારો જાણીતો છે, ને સંધ્યા મને ભય પમાડતી નથી.’

‘સાચું. મને તો ભ્રમ ન હતો. મેં દર્શન કર્યાં.’ વસિષ્ઠે કહ્યું અને ફરી અરુંધતીને નમન કર્યું.

અરુંધતી હજી ઊભી જ હતી. તેણે પૂછ્યું : ‘સંધ્યાનાં દર્શન ? ક્યાં કર્યાં આપે ?’

‘આપનામાં. આપ જ્યારે આ શૃંગ ચઢી ઉપર આવ્યાં ત્યારે પેલો ચંદ્ર આપની વેણીમાંથી નીકળી છૂટો પડી ગયો હોય એમ મને લાગ્યું. મને એમ પણ થયું કે એ ચંદ્રને હું પાછો તમારે અંબોડે પહેરાવી દઉં ! ઉષા અને સંધ્યા એ બંને અમ તપસ્વીઓના જીવનનાં બે પાસાં.’ વસિષ્ઠે કહ્યું.

એકાએક અરુંધતીને લાગ્યું કે તે આ વિવેકી તપસ્વીની સાયં-સંધ્યામાં વિઘ્ન બની રહી છે. તેણે દેહમાં ચંચળતા આણી વધતી જતી સંધ્યાને જોઈ અને પગ ઉપાડતાં વસિષ્ઠને નમન કરી તેણે કહ્યું : ‘ક્ષમા કરજો, મુનિકુમાર ! આપના ધ્યાનમાં મેં આવીને વિઘ્ન નાખ્યું.’

એટલું કહી ઝડપથી પગ ઉપાડી અરુંધતી શૃંગોની પાછળ અદૃશ્ય થઈ ગઈ. એને ફરી નિહાળવા માટે મુનિકુમાર વસિષ્ઠ ઊભા થયા હતા કે નહિ તેની ખાતરી કરવા તેણે દૂર દૂર જઈ પાછળ દૃષ્ટિ પણ કરી; પરંતુ એની દૃષ્ટિને કેટલાં યે શૃંગોએ અવરોધી લીધી હતી. આશ્રમમાં પહોંચતાં પહોંચતાં તેના મનમાં વિચાર આવ્યો : ‘સંધ્યા ? હું સાક્ષાત સંધ્યા ? પૂર્વજન્મનો કોઈ ભણકારો મને સંભળાય છે શું ? આવો જ પૂર્વજન્મે મને દેખાયેલો તપસ્વી કુમાર મારી પાસેથી ભાગી ગયો હતો, નહિ ? પ્રભુની મેં જ તપશ્ચર્યા કરી હતી, ખરું ? અને સંધ્યાનો દેહ છોડી અગનમાંથી ઉત્પન્ન થઈ હું પિતા મેધાતિથિને ઘેર જન્મી ! એ ભ્રમ મને અત્યારે જ ઉત્પન્ન થાય છે ? કે મારા પૂર્વજન્મની કથની હું ક્યારનીયે જાણું છું ?…