પૃષ્ઠ:Hira ni chamak.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાચી અર્ધાંગના : ૨૯
 


સ્ત્રીહૃદયની અનુભવી અધિષ્ઠાત્રી સાવિત્રીએ અરુંધતીની પ્રથમ રુદનઊર્મિને વહી જવા દીધી. ને પછી તેને માથે હાથ ફેરવી ફરી પૂછ્યું : ‘પિતા યાદ આવ્યા? મેધાતિથિ પાસે જવું છે ? કે તેમને અહીં બોલાવું ?’

‘ના જી ! એ તો હમણાં જ અહીં આવી ગયા છે.’

‘ત્યારે આંખમાં આંસુ કેમ લાવે છે ?’

‘માતાજી ! મને લાગે છે કે હું કાંઈ પાપ કરી રહી છું.’ અરુંધતીએ રુદનભર્યા કંઠથી જવાબ આપ્યો.

‘પાપ ? તું એવી ઢબે ઊછરી છો કે તારાથી કદી પાપ થઈ શકે જ નહિ. તારું હૃદય જે કાંઈ વાંછતું હશે તે પુણ્ય જ હશે. ગભરાઈશ નહિ, દીકરી ! આપણી આસપાસ પાપ હોય જ નહિ. કહે, શા પરથી તને એમ લાગ્યું ?’ સાવિત્રીએ ધારણા આપી અરુંધતીની પાસેથી વાત મેળવી. ને ટુકડે ટુકડે, અચકાતાં અચકાતાં, અરુંધતીએ ગઈ કાલનું વસિષ્ઠ સાથેનું મિલન અને રાત્રિનાં સ્વપ્નનો સાર કહી સંભળાવ્યો. વાત પૂરી થયે અનુભવી સાવિત્રી ખડખડ હસી પડ્યાં અને કહ્યું :

‘અરુંધતી ! જે થાય છે તે સારું થાય છે. વસિષ્ઠના મિલનથી તારે ભય પામવાનું કારણ નથી. કદાચ પૂર્વજન્મથી જ એ તારે માટે સર્જાઈ ચૂક્યો હશે, ને તારી તથા તેની બ્રહ્મપ્રાપ્તિ ગૃહસ્થાશ્રમને માર્ગે થવાની હશે. આજે સાંજે પાછી એ જ માર્ગે થઈને બહુલાને આશ્રમે જજે અને વસિષ્ઠને પૂછજે, કે રાત્રે તેમને કોઈ સ્વપ્ન આવ્યું હતું કે કેમ ? એનો જવાબ મને કહેજે. કદાચ प्रजनश्वास्मिं कंदर्प : — પ્રભુ કંદર્પરૂપે પધારતા ન હોય !’ કહી સહેજ હસી સાવિત્રીએ અરુંધતીનો વાંસો થાબડી તેને કામકાજમાં રોકી.

સંધ્યા થતાં બરાબર અરુંધતી પાછી બહુલાને આશ્રમે જતાં જતાં વસિષ્ઠ મુનિની તપશીલા પાસે થઈને જ જવા લાગી. આજે વસિષ્ઠ આસનબદ્ધ ન હતા; જાણે તેઓ અરુંધતીની રાહ જોતા જ ઊભા ન હોય તેમ અરુંધતીને જોતાં જ નમન કરી કહ્યું : ‘કોણ જાણે કેમ, અરુંધતી ! તમારાં દર્શન સિવાય આજ ધ્યાનસ્થ નહિ