પૃષ્ઠ:Hira ni chamak.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦ : હીરાની ચમક
 


જ થવાય એમ લાગવાથી તમારી રાહ જોઉં છું.’

‘તમને શી ખાતરી હતી કે હું આજ આ રસ્તે આવીશ જ ?’ અરુંધતીએ પૂછ્યું.

‘હા; મારા સ્વપ્નમાં તમે ગઈ રાતે જ એમ કહી ગયાં. એમ લાગે છે કે આપણે પૂર્વજન્મે મળ્યાં હોઈશું, અને આ જન્મમાં અરસપરસ મળવાનું વચન આપ્યું હશે.’ વસિષ્ઠે કહ્યું.

‘તમે તે મુનિ ! બ્રહ્મનું ધ્યાન ધરો છો કે કોઈ યુવતીનું ?’ અરુંધતીએ જરાક છણકાઈને પ્રશ્ન કર્યો.

‘બ્રહ્મનો ભરોસો જ નહિ. એ ગમે તે સ્વરૂપે એ આપણને પ્રત્યક્ષ થાય — સ્ત્રીરૂપે પણ !’

‘સ્ત્રીરૂપે પ્રભુ અવતરે એ તમને ગમે ખરું ?’

‘મને લાગે છે કે બ્રહ્મ માનવઆકાર ધારણ કરે તો તેને સ્ત્રી કરતાં વધારે સુંદર આકાર ન જ મળી શકે. મને બ્રહ્મનું સ્ત્રી-સ્વરૂપ જરૂર ગમે. કાલે આ માર્ગેથી જ જશો ને ?’

‘કાલની વાત કાલ ઉપર. મારો બ્રહ્મ પુરુષસ્વરૂપે મને આજ રાત્રે સ્વપ્નમાં દેખાશે તો હું જરૂર આ માર્ગે આવીશ.’ અરુંધતીએ કહ્યું અને બહુલાના આશ્રમે તે પાછી ચાલી ગઈ. બહુલાએ પણ અરુંધતીની અસ્વસ્થતા પરખી, અરુંધતી પાસેથી માહિતી મેળવી અને ત્રીજે દિવસે સાવિત્રી અને બહુલાએ ભેગા મળી નિશ્ચય કર્યો કે અરુંધતી અને વસિષ્ઠનાં બ્રહ્મલગ્ન કરવાં. વસિષ્ઠ ધાર્યા કરતાં વધારે અનુકૂળ નીવડ્યા. તેમણે પહેલે જ પ્રશ્ને અરુંધતી સાથેનાં લગ્નની હા પાડી. અરુંધતીમાં વસિષ્ઠે બ્રહ્મનો સ્ત્રીઅંશ જોયો અને વસિષ્ઠમાં અરુંધતીએ બ્રહ્મનો પુરુષઅંશ દીઠો. એકાએક પૂર્વજન્મની કોઈ સ્મૃતિ અરુંધતીને થઈ આવી... અથવા વસિષ્ઠ પ્રત્યેની તેની પ્રેમભાવનામાં પૂર્વજન્મના કોઈ પ્રેમઅંકોડાનું તેને ભાન થયું. અને યૌવનમાં કામ એ ધર્મ બની જાય છે એવું પ્રભુનું કંઈક વાક્ય પૂર્વજન્મમાં ઉચ્ચારાયેલું તેને યાદ આવ્યું. બંનેના લગ્ન થયાં. વસિષ્ઠ પણ એક મહાતપસ્વીની કીર્તિ પ્રાપ્ત કરી શક્યા હતા. અને