પૃષ્ઠ:Hira ni chamak.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યો મેળાપ : ૩૫
 


માનવા કારણ નથી. પરંતુ આ ‘वरं ब्रूहि’ ની પાછળ લગ્નની વાત હતી એ અમર ભૂલે એમ હતું જ નહિ, અને લગ્નની બાબતમાં માતાપિતા અને અમર બંને સામે કિનારે બેઠેલાં હતાં એવી અમરને તો ખબર હતી જ. અમર માતાને પણ ઓળખતો અને પિતાને પણ ઓળખતો. માતાની કુમળાશને પોતાની તરફેણમાં વાળી શકાય એમ હતું, પરંતુ પોલાદી પિતાના માનસને વાળવું અશક્ય હતું એટલે અમરે હસીને વાત ફેરવી નાખતાં કહ્યું :

‘મારે માગવા જેવું શું છે ? વગર માગે મને બધું જ મળે છે. શું માગું એની જ મને તો સમજ પડતી નથી !’

આખા વિશ્વની વ્યાપારી કુનેહ ઘોળીને પી ગયેલા સર મહેન્દ્રપ્રતાપ પોતાના પુત્રની આ ઉડાવનારી વાત ન સમજે એમ ન હતું. પોતાના એકના એક પુત્રમાં ધન અને વિદ્યા બન્નેનો સુયોગ થયો હતો અને એ સુયોગના અત્યંત તીવ્ર ભાનમાં પિતાએ પોતાના પુત્રની સમોવડી પુત્રવધૂ માટેની પણ કલ્પના કરી લીધી હતી. મહેન્દ્રપ્રતાપ સરખા વિશ્વધનિકની કલ્પનાનાં વર્તુલ પણ મર્યાદિત ન હોય. પોતાના પુત્ર માટે તેમની નજરમાં કોઈ મજૂરની, કોઈ કારકુનની, કોઈ નાનકડા અમલદારની કે દલાલીમાં બે બંગલા બાંધી ખાતા કોઈ વ્યાપારીની પુત્રી આવે એવો સંભવ જ ન હતો. અંગ્રેજોની સત્તા સ્વીકાર્યા છતાં સર મહેન્દ્રપ્રતાપનું આર્યત્વ ભરતખંડ બહારની કોઈ ગોરી છોકરી તરફ તો આકર્ષાય નહિ જ. એટલે પોતાની ઉચ્ચ કક્ષાએ બેસી, સરવાળાબાકી કરતાં તેમને એક ઉચ્ચ કક્ષાના અમલદારની અને બે ધનિકોની સુંદર, ભભકભરી, આગળ પડતી અને રમતગમતને ઓળખતી ત્રણ યુવતીઓ નજરમાં આવી ગઈ હતી. અમલદારની છોકરીનું નામ અતુલા અને બન્ને ધનાઢ્યોની છોકરીઓમાંથી એકનું નામ સુમંગલા અને બીજીનું નામ સુહાસિની. અમરની માતા સુવર્ણાદેવીને પણ આ આગળ પડતી યુવતીઓ બહુ જ ગમી ગઈ હતી અને