પૃષ્ઠ:Hira ni chamak.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પહેલી આવૃત્તિની પ્રસ્તાવના

‘હીરાની ચમક’ મુ. ભાઈસાહેબનો પંદર ટૂંકી વાર્તાઓનો નવો વાર્તાસંગ્રહ. જુદાં જુદાં માસિક અને દીપોત્સવી અંકમાં આ વાર્તાઓ પ્રસિદ્ધ થઈ ચૂકી છે; હવે તે ગ્રંથસ્થ થઈ પ્રકાશન પામે છે.

“ઝાકળ”, “પંકજ”, “રસબિંદુ”, “કાંચન અને ગેરુ", “દીવડી”, “ભાગ્યચક્ર”, “સતી અને સ્વર્ગ” તથા “ધબકતાં હૈયાં” દ્વારા વિસ્તરેલું એમનું ટૂંકી વાર્તાઓનું સર્જન “હીરાની ચમક” સુધી ફેલાઈ સમાપ્ત થાય છે. હજી એમની કેટલીક ટૂંકી વાર્તાઓ જડતી નથી, પરંતુ આ કલાક્ષેત્રમાં મુ. ભાઈસાહેબનું સર્જન આ ગ્રંથથી સમાપ્ત થાય છે એમ કહીએ તો ચાલે.

લગભગ દોઢસોથી ઉપર નવલિકાઓનું તેમનું સર્જન સંખ્યાની દૃષ્ટિએ બહુ ઓછું કહી શકાય નહિ. હું ધારું છું ત્યાં સુધી ગુજરાતના બહુ જ થોડા નવલિકાકારોનો ફાલ આટલો વિપુલ હશે. જનહૃદયમાં એમની ટૂંકી વાર્તાઓ ઠીક પ્રમાણમાં પ્રવેશી ચૂકી છે. બંગાળી, હિન્દી અને બીજી ભારતીય ભાષાઓમાં પણ એમની વાર્તાઓના અનુવાદ થયા કરે છે. અંગ્રેજી અને બીજી યુરોપીય ભાષાઓમાં પણ એમની વાર્તાઓ પ્રસિદ્ધ થયે જાય છે. આમ વાચકો તેમની વાર્તાઓને રસપૂર્વક વાંચે જાય છે.

પરંતુ સાહિત્યના વિવેચકોની દૃષ્ટિએ તેમનું મૂલ્યાંકન શું ? વસ્તુ, પાત્ર, વાતાવરણ, સંવિધાન, વૈવિધ્ય, રસનિષ્પત્તિ અને વાચક ઉપર ‘એક જ છાપ પૂરેપૂરી મૂકી જવી’, ‘સંપૂર્ણ રીતે એક જ છાપ’ અગર ‘સમગ્રતા’ની છાપ પાડવાની શક્તિ વગેરે કલાતત્ત્વોની