પૃષ્ઠ:Hira ni chamak.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮ : હીરાની ચમક
 


‘અમર ! હવે સપષ્ટતા કરવાની જરૂર ઊભી થાય છે. તું બીજી કોઈ રીતે સમજી શકતો નથી એટલે.’

‘હા, જી ! શું છે ? શી બાબત છે ?’

‘તારાં લગ્નની બાબત છે. બધી જ તૈયારી થઈ ચૂકી છે. હવે તું માત્ર હા કહે એટલી જ વાર છે.’

‘માતાપિતાની તૈયારી કોને માટે હતી તેનો ખ્યાલ અમરને હતો જ. છેવટને નિર્ણય કરવાની આફત એકાદ અઠવાડિયું પણ આગળ જ જાય એમ એ ઈચ્છી રહ્યો હતો. એ ઇચ્છામાં તેણે પિતાને જવાબ આપ્યો :

‘મને એકાદ અઠવાડિયું આપો, પિતાજી હું એટલામાં મારી નિર્ણય કરી લઈશ અને આપને જણાવીશ.’

પિતાને આવી મુદ્દત આપવાની જરા યે ટેવ ન હતી. તેમના લોખંડી નિશ્ચયો એક ક્ષણમાં જ નિર્ણય ઉપર આવી જતા. છતાં પુત્ર પ્રત્યે એમણે એટલી સુકુમારતા સેવી અને તેને અઠવાડિયાની મુદત આપી.

હવે અમરના ચિત્તમાં ખાસ ખટક પડી. પિતાએ કહ્યું છે ? એટલે તેઓ એક અઠવાડિયામાં નિર્ણયની જાહેરાત માગ્યા વગર રહેશે નહિ એ ચોક્કસ હતું. રાતદિવસ એને એ વિચાર આવ્યા કરતા હતા. અતુલા, સુમંગલા અને સુહાસિની ખરેખર તેને મિત્ર તરીકે ગમતાં; પરંતુ તેમની સાથે આખું જીવન અને નિત્યજીવનના ચોવીસે કલાક પસાર કરવા એ તેને શક્ય લાગ્યું નહિ. એની નજર વર્ષોથી નંદિની ઉપર ઠરી હતી. નંદિની કોઈ ધનિકની ઝાકઝમાળ પુત્રી ન હતી, પરંતુ પોતાના એક સગાને ઘેર આશ્રિત તરીકે રહી, ભણતરમાં આગળ આવતી એક સૌમ્ય યુવતી હતી. તેનામાં ચળકાટ કદાચ ઓછો હશે, પરંતુ તેનો સૌમ્ય દેખાવ, એનું સૌમ્ય વર્તન અને માધુર્યભરી આંખ અમર કદી ભૂલી શકતો નહિ. દિવસ વીતતા