પૃષ્ઠ:Hira ni chamak.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યો મેળાપ : ૩૯
 


ગયા તેમ તેમ નંદિનીની આંખ અને મુખ હૃદયમાં જડાઈ ગયાં અને તેની આગળ અતુલા, સુમંગલા અને સુહાસિની ત્રણે અછકલાં, ખોટી ચમકવાળાં અને ઠઠારાની સહાયે શોભતાં રમકડાં સરખાં લખ્યાં.

શું કરવું એના વિચારના વમળમાં અટવાતો અટવાતો અમર એકાંત જગા શોધતો દરિયાકિનારે ચાલ્યો ગયો; પરંતુ શહેરની જનતા દરિયાના એકાંતને પણ ક્યાં જીવતું રહેવા દે છે? તોફાને ચઢેલી માનવમેદનીને છોડી એ કિનારે કિનારે આગળ ચાલ્યો. ત્યાં એકાંતમાં તેણે નંદિનીને તેનાં સગાંનાં બે બાળકો સાથે રમત કરતી નિહાળી. તેના મનમાં એકાએક વિષાદ ઉત્પન્ન થયો, ‘માતાપિતા નંદિનીને મેળવવામાં વચ્ચે આવશે તો?’ એ વિચારે તેનાથી નંદિની પાસે જવાયું પણ નહિ. પરંતુ શરમાળ ગણાતી સ્ત્રીઓની નજર ઝીણામાં ઝીણી વસ્તુ જોવામાં ભૂલતી નથી. નંદિનીએ અમરને જોયો અને બાળકો સાથે રમતી રમતી તે જ્યાં ઊભો હતો ત્યાં પાસે આવી અને જાણે અમરને પહેલી જ વાર જોતી હોય તેમ ચમકીને પૂછ્યું :

‘કોણ, અમર ?’

‘હા. નંદિની !’ અમરે પણ જવાબ આપ્યો. નંદિની તેની સાથે વાત કરે એમ એ ક્યારનો ઇચ્છી રહ્યો હતો.

‘તું ક્યાંથી ? તારી મોટરકાર છોડીને પગે ચાલતો આ દરિયાની રેતીમાં ક્યાં ફરે છે?’

‘મને બહુ વસ્તીમાં ગમતું નથી.’

‘ધનિકો ધારે તો એકાંતને પણ જીતી શકે છે.’

‘હશે, કદાચ. પરંતુ ધનિકોને પણ પરાજય મળતો નથી એમ તું ન માનીશ.’

‘તારો ક્યાં પરાજય થયો ? અને એવો શામાં પરાજય થયો, જે તારા મુખ ઉપર પણ પ્રદર્શિત થઈ રહ્યો છે?’ નંદનીએ પૂછ્યું.

‘પરાજય હજી થયો નથી, થવાની તૈયારીમાં છે.’

‘પરંતુ શામાં, એ તો કહીશ ને?’

‘ધનિકોથી પોતાની મરજી અનુસાર લગ્ન થઈ શકે જ નહિ.