પૃષ્ઠ:Hira ni chamak.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યો મેળાપ : ૪૩
 

 માણસો દ્વારા દુનિયાને ખૂણે ખૂણે હવે અમરની તપાસ પહોંચી ગઈ. છ માસ પણ વીતી ગયા. પરંતુ અમર કે અમરનો પત્તો ન મળ્યો તે ન જ મળ્યો ! સુવર્ણાદેવી અને મહેન્દ્રપ્રતાપ હવે અતિશય ચીઢિયાં બની ગયાં. ખાવાપીવામાંથી તેમનો રસ ઊડી ગયો, કામકાજમાંથી બિલકુલ ધ્યાન ખસી ગયું. જોષી, માંત્રિકો, ધર્મગુરુઓ અને દેવસ્થાનો તરફ તેમનું વલણ વધવા લાગ્યું. અને છ માસ વીતતાં તો સર મહેન્દ્રપ્રતાપ આંખમાં અશ્રુ લાવી મિત્રોને, નોકરોને અને સહુ કોઈને ‘મારો અમર જોયો છે ? મારા અમરને લાવી આપો તો મારો આખો વૈભવ આપી દઉં.’ એવાં એવાં ઉચ્ચારણો સ્થળેઅસ્થળે કહેતા સંભળાવા લાગ્યા. ડૉક્ટરોએ ખૂબ દવાઓ કરી, હકીમોએ નુસ્ખા લખી આપ્યા, વૈદ્યોએ માત્રાઓ આપી, અને સગાંવહાલાંઓએ, મિત્રોએ અને ડૉક્ટરોએ એવો નિર્ણય કર્યો કે સર મહેન્દ્રપ્રતાપ આ વાતાવરણમાંથી પરદેશ નહિ જાય તો તેમનું મગજ કાયમને માટે ફટકી જશે.

મહામુસીબતે મહેન્દ્રપ્રતાપને સમજાવી શકાયા. અમર જેવો બાહોશ છોકરો પરદેશમાં કોઈ જુદા નામે રહી આગળ વધતો હોવો જોઈએ અને એ પરદેશમાં ગમે ત્યાં પિતા સામે આવી ચઢશે એવી કલ્પના લાલચ તેમને પરદેશ જવા પ્રેરી રાકી. અને તેઓ સુવર્ણાદેવી સાથે પરદેશ ગયા પણ ખરા.

પરદેશની નવીનતા તેમના મનને બીજી દિશામાં વાળતી. ધમધોકાર ચાલતા વ્યાપાર ઉદ્યોગના કાગળપત્રો અને નિવેદનો રોજ તારથી આવતા. તેમાં પણ તેમનો કેટલોક સમય વ્યતીત થતો અને મન પરોવાતું. અમર જરા યે ભુલાયો ન હતો છતાં નવું નવું વાતાવરણ તેમના ઘાવ ઉપર મલમપટ્ટાની ગરજ સારતું. ડૉકટરની મુલાકાતો પણ તેમનો કેટલોક સમય લેતી હતી અને અમરે આપઘાત કર્યો હોય એવી શંકાને સમર્થન કરતો એક પણ પુરાવો હજી સુધી મળ્યો ન હોવાથી વહેલામોડો પણ અમર આવી પહોંચશે એવી આશા તેમને રહ્યા કરતી. પશ્ચિમના ભવિષ્યવેતાઓએ પણ તેમને એક કરતાં વધારે