પૃષ્ઠ:Hira ni chamak.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કલ્યાણી

કૌશિક હતો તો બ્રાહ્મણ અને વસતો હતો નર્મદા કિનારે, પરંતુ એનાં કૃત્યો શૂદ્રને પણ શરમાવે એવાં હતાં. તે બ્રાહ્મણ માબાપને ઘેર જન્મ પામ્યો. ઉપવીત દ્વારા બ્રાહ્મણની છાપ પ્રાપ્ત કરનાર સહુ કોઈ બ્રાહ્મણ રહેતા જ નથી. બ્રાહ્મણત્વને પગ નીચે રગદોળનાર બ્રાહ્મણો આજે જ જન્મે છે એમ નહિ, પુરાણકાળમાં માર્કણ્ડેય ઋષિના યુગમાં પણ આવા બ્રાહ્મણ હતા, જેમાંનો કૌશિક એક હતો. બ્રાહ્મણોને તો શું, પરંતુ ચારે વર્ણને મના કરેલાં કાર્યો તે કર્યે જતો હતો. બધાં ય વ્યસનો એને ખરાં, પરંતુ ‘કામ’એ એનું મહાવ્યસન. સુંદર સ્ત્રીને જુએ અને તેનું હૃદય ધબકી ઊઠે. સૌંદર્યૌપભોગની તેને મર્યાદા ન હતી. જ્યાં જ્યાં સૌંદર્ય ત્યાં ત્યાં કૌશિકની ઉપભોગજાળ બિછાયેલી જ હોય.

સૌંદર્ય, માનવસૌંદર્ય, સ્ત્રીસૌંદર્ય સદા સર્વદા વિશુદ્ધ જ હોય છે એમ માનવાની જરૂર નથી. સૌંદર્યના અંચળા નીચે ઘણી વાર મનના, બુદ્ધિના કે દેહના રોગ ભરપૂર ભરેલા હોય છે. અને ઉપભોગની આતશ અનુભવતા રૂપભોગી પુરુષને તે વળગી પણ પડે છે. કૌશિકની કામવાસના એટલી તીવ્ર બની ગઈ હતી કે ઉપભોગને અંગે એ નહોતો જોતો સ્થળ કે સમય, ઘર કે બહાર, વર્ણ કે અવર્ણ, પાત્ર કે અપાક્ષ, અને તેનો દેહ ના પાડતો છતાં તેનું મન તેને વિસ્તૃત સ્ત્રી સમાજની તરફ જ દોર્યે જતું હતું. એમાંથી કોઈ કુષ્ઠ રોગી સ્ત્રીનો સંબંધ થતાં તેને કુષ્ઠરોગ લાગુ પડ્યો હતો. અને એ ઢાંકવાના અનેક પ્રયત્ન કરવા છતાં એના દેહ ઉપર તેનાં ચિહ્ન ઢંકાયેલા રહ્યાં