પૃષ્ઠ:Hira ni chamak.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦ : હીરાની ચમક
 


નહિ. બીજાથી કદાચ થોડા દિવસ એ પોતાના રોગને છૂપો રાખી શકે, પરંતુ પોતાની પત્નીથી એ રોગ છૂપો રાખી શકાય એમ હતું જ નહિ.

આવા મહાકામી કૌશિકને એક પત્ની પણ હતી. માર્કણ્ડેય પુરાણ એ પત્નીનું નામ સ્પષ્ટ કરતું નથી, પરંતુ આપણે એને કલ્યાણી નામ આપીશું. અતિકામીઓને અનેક રોગ થાય છે. અને રોગિસ્ટપણું વળી કામજ્વાળાઓ વધારે પ્રદીપ્ત કરે છે. કુષ્ટરોગ એક એવા પ્રકારને રોગ છે એમ આજનું વિજ્ઞાન કહે છે. એ ફેલાતો અટકાવવાના વર્તમાન વૈદ્યકીય પ્રયત્નોમાં મોટામાં મોટા પુકાર એ જ હોય છે કે કુષ્ઠ રોગીઓની વાસનાને અવધિ નથી ! અને એ રોગ વાળા આનુવંશિક પણ હોય છે ! કૌશિકને રોગે ઘેરવા માંડ્યો તેમ તેમ એની વાસના વળી પ્રબળ થવા લાગી. કામીઓને માટે પત્ની પણ તૃપ્તિનું એક સાધન જ છે ને ? પતિપત્નીનાં સહજીવન જેમ મૈત્રીમાં પરિણામ પામે છે તેમ બીજી પાસ ઉપભોગનો અનિવાર્ય આશ્રય પણ બની રહે છે. કૌશિકના કુષ્ટરોગે એને જરા ય પાછાં પગલાં ભરાવ્યાં નહિ. રોગ વધતો ચાલ્યો, શક્તિ ક્ષીણ થતી ચાલી, છતાં સૌંદર્યલોલુપ આંખ કોઈ પણ સ્ત્રીદેહનાં અંગ-ઉપાંગ જોતાં થાકતી નહોતી.

કૌશિકનું એક જ મહાભાગ્ય કે એને કલ્યાણી સરખી એકનિષ્ટ પત્ની મળી હતી. એ હતી ઘણી સુંદર, પરંતુ માનવજાતના અનેક પતિઓની માફક કૌશિકનું પુરુષત્વ કે સૌન્દર્યભૂખ પત્નીના સૌંદર્યથી પણ વધારે મોટો સૌંદર્ય વિસ્તાર માગતાં હતાં. આજના યુગની માફક માર્ણ્ડેયના પુરાણયુગમાં પણ બુદ્ધિનો, તર્કનો અને દલીલ બાજીનો ખૂબ વિકાસ થયેલો હોવો જોઈએ. ઘણા ઘણા દોષોને બુદ્ધિ ગુણ તરીકે લેખાવવા મથે છે. કૌશિક બુદ્ધિબળ વાપરી પોતાના દોષને ઢાંકવા-ઢંકાવવા મથતો હતો. પરંતુ કલ્યાણીને કોઈ પણ તક કે દલીલબાજીની જરૂર ન હતી. સાચો કે ખોટો એક સિદ્ધાંત હૃદયમાં ઊંડો ઉતારીને એ પતિગૃહે આવી હતી : પતિ એટલે પરમેશ્વર !