પૃષ્ઠ:Hira ni chamak.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલ્યાણી ૫૧
 


સ્ત્રી પ્રાણી તરીકે અજબ છે, અને માનવી તરીકે પણ અજબ છે. સુખ આપીને, દુઃખ ખમીને, દેહને આહુતિમાં મૂકીને એ સર્જન કરે છે. એ કાર્યમાં જ એની પુરુષ કરતાં પણ વધારે માનવશ્રેષ્ઠતા સ્થપાઈ ચૂકી છે. સ્ત્રી સ્વભાવથી જ સતી હોય છે, પછી ભલે એને પતિત અવસ્થામાં ઉતારી દેવાતી હોય. કલ્યાણી સતીત્વની ભાવના લઈને પરણી હતી. પતિને પરમેશ્વરની માફક પૂજતી હતી. એ ભાવના સાચી છે કે કેમ, સ્ત્રીપુરુષના સરખા હક્કની ભાવના. આ ભાવનાથી વધારે ઉચ્ચ કક્ષાની છે કે કેમ, એવા એવા પ્રશ્નો આજની માફક પણ કદાચ ત્યારે ઊપજતા હશે. અને બંડખોર સ્ત્રીઓ એ યુગમાં પણ જાગતી હશે. પરંતુ સ્ત્રીવર્ગના મોટા ભાગની માફક ભાગ્યમાં આવેલો પુરુષ એ જ ભગવાન એમ માનીને કલ્યાણી ચાલતી હતી. પતિના વ્યસનો તેને ગમતાં નહિ જ. પતિની અનિયંત્રિત કામ વાસના પ્રત્યે કોઈપણ પત્નીની માફક કલ્યાણીને સદ્‌ભાવ ન જ હોય. તેને અણગમો પણ થઈ ગયો હતો. પતિ પ્રતિષ્ઠિત અને સુખી બને એવી તેની નિત્ય કામના રહેતી. પતિને સુધારવા માટે કદી કદી એ શિખામણ પણ આપતી. પરંતુ કામાન્ધ કૌશિકને એની કાંઈ પણ અસર થતી નહિ. કલ્યાણીએ આ સંજોગોમાંથી પોતાને કર્કશા તરીકે વિકસાવી હોય તો કેવું પરિણામ આવત એ પ્રશ્ન બીજાને ઊપજે, પરંતુ કલ્યાણીના હૃદયમાં એ પ્રશ્નો ઊપજ્યો નહિ. ક્લેશ, કંકાસ, કકળાટ, ધમપછાડ, ઘરની હવાનું સમુદ્રમંથન રિસામણાં કે પલાયન સરખા સ્ત્રીસહજ ઉપચારો કલ્યાણીની પતિભાવનાને માટે શક્ય ન હતા. એની પતિભાવનામાં તો એક જ સિદ્ધાંત સ્થિર થઈ ચૂક્યો હતો. પતિની સેવા એ જ પત્નીનો ઉદ્ધાર ! પતિ જો ખરેખર સારપનો અવતાર દેખાયા કરે તો એની સેવા માટેનો અવકાશ જ ક્યાં રહ્યો ? પતિની જેટલી વિચિત્રતા એટલી પત્નીની વિવિધતાભરી સાચી સેવા, અને પતિ જ જો પરમેશ્વર હોય તો આવાં દુર્ગુણનાંજ દર્શન દ્વારા એ પત્નીના સતીત્વની કક્ષા વધારે તીવ્ર અને ઊંચી કેમ બનાવતો ન હોય ?