પૃષ્ઠ:Hira ni chamak.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલ્યાણી : ૫૭
 


‘અતિ સેવામાં હું તમારી કુ-સેવા કરી રહી છું એમ મને લાગે છે.’ પત્નીએ કહ્યું.

‘કલ્યાણી ! તું મારું સુખ વાંચ્છે છે, નહિ ? મને આ ભયંકર રોગમાંથી થોડીક ક્ષણો પણ સુખની આપવી હોય તો મને મંદિરમાં લઈ જા અને શંકરનાં દર્શન કરવા દે.‘ પતિએ અત્યંત આર્જવ પૂર્વક પત્નીને વિનંતી કરી. પત્ની જાણતી હતી કે પતિ શંકરનાં દર્શન કરવા કરતાં નર્તકીના હાવભાવને અને દેહહિંડોળને નીરખવા માટે જ પ્રવૃત્ત થયા છે; પરંતુ એને ખ્યાલ આવ્યો કે ઔષધિ જે સુખ કે શાંતિ પતિને આપી શકતી ન હતી તે સુખ અને શાંતિ પતિને નર્તકીના દેહડોલનમાં મળતી લાગે છે. પત્નીનું શું કર્તવ્ય ? આ અતિકષ્ટની ક્ષણે ? પતિનું કષ્ટ ઘટે એમ કરવું કે જે દોષમાંથી કષ્ટ ઉત્પન્ન થયું હતું તે દોષ તરફ પતિને દોરવો ?

પતિમાં હવે વધારે દૂષિત થવાની પણ શક્તિ રહી ન હતી – નિદાન તેના દેહમાં તો નહિ જ. નર્તકી પણ શંકર પાસે પોતાના કલાદોષનું અંતિમ સમર્પણ કરવાને આવી હતી. સહુનું કલ્યાણ કરનાર શિવ એ સ્થળે બિરાજતા હતા, કદાચ કલ્યાણીનું – કહો કે કૌશિકનું અંતિમ કલ્યાણ સાધવા સાક્ષાત શિવ પતિને મુખે આ બોલ બોલાતા હોય તો ?

જીવનભર જેણે પતિમય માનસ બનાવ્યું હતું એ કલ્યાણીને પતિની ઇચ્છા પૂર્ણ કરતાં બહુ વાર લાગે એમ હતું જ નહિ. મંદિર અને ઝૂંપડી વચ્ચે ત્રણસો ચારસો ડગલાંનું અંતર હતું. પતિને ટેકો આપી કલ્યાણીએ ચલાવ્યો, પરંતુ ખવાઈ ગયેલાં આંગળાંવાળા પગ ક્યાંથી ચાલી શકે? કૌશિકનું મન મંદિરમાં નાચ કરતી નર્તકી તરફ દોડતું હતું, જ્યારે એના પગમાં દોડવાની શક્તિ પણ ન હતી અને દોડવાનું સાધન પણ ન હતું. એકાએક કૌશિકે ઈચ્છા અને ફળ વચ્ચેનું આટલું અંતર જોઈ કલ્યાણીને કહ્યું :