પૃષ્ઠ:Hira ni chamak.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મારો એકનોએક આશ્રય

‘અખિલ વિશ્વધર્મ મંડળ’ ની આ વખતની બેઠકનો હું પ્રમુખ છું એટલે મારા જીવનવૃતાંતની નોંધ માટે અનેક વર્તમાનપત્રોની માગણીઓ આવે છે અને હું એ પૂરી પણ પાડું છું. પ્રમુખ ચૂંટાઉં તેમાં કશી નવાઈ નથી, કેમ કે હું એક વિખ્યાત ધાર્મિક માસિકનો તંત્રી છું– આજથી નહિ, વર્ષોથી. ગયે વર્ષે જ મારા એક ધાર્મિક માસિઅની રજતજયંતિ ભારે ધામધૂમથી ઉજવાઈ ગઈ. એ પ્રસંગે ‘ધર્મ’ નામનું એક ભવ્ય મકાન પણ બંધાવાઈ ખુલ્લું મુકાયું. એ મકાનનો પહેલો માળ હિમાલયમાંથી ભાગ્યે જ બહાર આવતાં એક મહામંડળેશ્વરને હાથે ખુલ્લો મુકાયો. બીજો માળ ઇલાકાના એક પ્રધાનને શુભ હસ્તે ખુલ્લો મુકાયો, ત્રીજો માળ અમારા ગામની મોટામાં મોટી મિલના માલિકને હાથે ખુલ્લો મુકાયો. મહામંડળેશ્વર અને મિલમાલિક બન્ને પોતાનાં સુવર્ણ રસ્યાં તાળાંકૂંચી પોતાની સાથે લઈ ગયા. પણ પ્રધાનસાહેબે પોતાનાં બનવાપાત્ર તાળાંકૂંચીની જાહેર હરાજી કરાવી તેના પૈસા સ્થાનિક અંત્યજોદ્ધાર મંડળમાં મોકલી દીધાં હોવાથી મારે મહામંડળેશ્વર અને મિલમાલિક બન્ને પાસેથી તેમનાં તાળાં મંગાવી લેવાં પડ્યાં. જેથી કોઈ પણ મહાન વ્યક્તિ વચ્ચે વહેંરોવંચો કર્યાનો આક્ષેપ મારા ઉપર આવે નહિ. હજી એ બન્ને તાળાંની હરાજી કરવાની બાકી છે અને પ્રધાનને હાથે હરાજ થયેલું તાળું સંતલસ પ્રમાણે મારી પાસે જ આવી ગયું છે. વાત જરા આડી ગઈ પણ કહેવાનું તાત્પર્ય એ છે