પૃષ્ઠ:Hira ni chamak.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારો એકનોએક આશ્રય : ૬૩
 


કે હું કોઈ પણ સંમેલનનો પ્રમુખ નિમાઉં એમાં કોઈને પણ વાંધો લેવાનું કારણ મળે એમ નથી. આ તો માત્ર એક જ મકાનની વાત થઈ, જેને નીચલે માળે મારું છાપખાનું છે, બીજે માળે ‘ધર્મ’ માસિકની કચેરી છે અને ત્રીજે માળે હું જ રહું છું.

પણ એ સિવાય બનારસના ગંગાઘાટ ઉપર મેં એક સાર્વજનિક ધર્મશાળા પણ બંધાવી છે અને નર્મદા કિનારે સેવાશ્રમનું મકાન પણ બાંધ્યું છે. વળી ગોદાવરીતટે વિધવાશ્રમનું અને રામેશ્વરમાં યોગાશ્રમનું, એમ બીજાં બે મકાન પણ મેં બંધાવ્યાં છે. ઉપરાંત છપાયેલાં પુસ્તકો મૂકી રાખવાની એક વખાર જોડે છપાવવા માટે પડી રહેલાં હસ્તલિખિત પુસ્તકોની પાકી વખાર બંધાવી છે. મસુરીમાં હમણાં જ એક રાણીનો બંગલો મેં વેચાતો રાખ્યો છે, જ્યાં વર્ષમાં એક વાર રહી આવ્યા સિવાય હું મારા વધતા જતા કામને પહોંચી વળી શકતો નથી.

આમ સદ્ધરતાની અને સ્થાવર મિલકતની દૃષ્ટિએ વિચાર કરતાં હું કોઈ પણ વ્યાપારી કે ઔદ્યોગિક મંડળનો પ્રમુખ થવાને પાત્ર પણ લેખાઉં. મારી એવી પાત્રતા પછી ધાર્મિક સંમેલનના પ્રમુખ તરીકે મારી પસંદગી થાય એમાં કોને આશ્ચર્ય લાગશે ?

બેત્રણ વિદ્વાનોને હાથે મારું જીવનચરિત્ર લખાવવાનું મેં ક્યારનું ય શરૂ કરી દીધું છે. જેમ જેમ મારું જીવન લાંબું થતું જાય છે તેમ તેમ મારા જીવનચરિત્રનાં પાનાં વધતાં જ જાય છે; અને જોકે હું ધર્મગુરની ગાદીએ બેસી શક્યો નથી તેમ જ ગૃહસ્થાશ્રમી હોવાથી સંન્યસ્તનો અંચળો પણ ઓઢી શક્યો નથી, છતાં કોઈ પણ ધર્મ ગુરુને ઈર્ષ્યા ઉપજાવે એટલી સંખ્યામાં મારી છબીઓ પડી ચૂકી છે અને પડ્યે જાય છે. મારે હાથે કેટલાં યે ઉદ્‌ઘાટનો અને કેટલાં ય મકાનનાં ખાતમુહૂર્તો થયાં છે. એ સમયની મારી છબીઓ પડે એમાં આશ્ચર્ય નથી. હું વ્યાખ્યાન કરતો હોઉં ત્યારે તો મારી છબીઓ પડે જ પડે. એ સિવાય હું લેખ લખતો હોઉં, મારી કચેરીમાં કામ કરતો હોઉં, મહત્ત્વનાં માણસો સાથે વાત કરતો