પૃષ્ઠ:Hira ni chamak.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪ : હીરાની ચમક
 


હોઉં, દેવપૂજા કરતો હોઉં કે પદ્માસન વાળી મગ્ન થયો હોઉં તે સમયની મારી છબીઓ સારા પ્રમાણમાં પડેલી છે. ધ્યાનસ્થ અવસ્થાની મારી છબીઓમાં મારા દેહની આસપાસ પ્રકાશનાં કિરણો ફેલાતાં હોય એવી યોજનાવાળી છબીઓ પણ પડેલી છે. એ પ્રકાશ ખરેખર જ પડતો હોવો જોઈએ. એ સિવાય છબીમાં ઝિલાય પણ કેમ ? માત્ર મારી આંખ તે વખતે મીંચાયેલી હોવાથી મારી આસપાસનો પ્રકાશ મેં જોયો જ છે એમ હું સોગંદ-પૂર્વક ન કહી શકું. મારી એ પ્રકાશમંડિત છબીઓ જોતાં હું કૃષ્ણ, ઈશુખ્રિસ્ત, બુદ્ધ કે જરથુસ્ત્રની કક્ષાએ બેઠો હોઉં એવું મને લાગ્યા વગર રહેતું નથી.

એ બધી જ છબીઓ મારા જીવનચરિત્રમાં યોગ્ય સ્થાને આવશે જ. પણ એ પહેલાં જેને જોવી હોય તેને માટે મેં મારી છબીઓ ત્રણ મજલાના મારા મકાનમાં સ્થળે સ્થળે અને ખૂણે ખૂણે ગોઠવી રાખી છે. આનો લાભ ગમે ત્યારે ગમે તે માનવી લઈ શકે છે. મને હવે લગભગ ધર્મગુરુ જેટલું માન મળી ચૂક્યું છે. અને તે પણ વિખ્યાત મઠાધીશ કે મિલમાલિક જેટલી મિલકત પણ મારી પાસે થઈ ચૂકી છે. મારી સાત પેઢી સુધી કોઈને પણ કમાવાની જરૂર ન રહે એટલી આર્થિક સદ્ધરતા મેં પ્રાપ્ત કરી છે અને આમ મેં મારા પ્રત્યેની, મારા કુટુમ્બ પ્રત્યેની ફરજ ક્યારની ય બનાવી લીધી છે. આ બધો પ્રતાપ ધર્મનો, ‘ધર્મ’ માસિકનો અને મારા ‘ધર્મ’ નામે મકાનનો જ છે એ વિષે મને ખાતરી થઈ ચૂકી છે. ધર્મ જ માણસને તારે છે એ બાબત મને હવે કશી શંકા રહી નથી મને તો ધર્મે જ તારી દીધો છે. માટે સહુને મારો આગ્રહ છે કે તેમણે ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખવી. મારા ‘ધર્મ’ માસિકનું વાચન કરવું અને વિકાસ પામતા જતા મારા ‘ધર્મ’ મહાલયમાં કદીક કદીક આવતાં જતાં રહેવું. એ મહાલયમાં અનેક યજ્ઞો, ઉત્સવો અને સમારંભો થાય છે તેમ જ વેદોક્ત, પુરાણોક્ત તથા વર્તમાનોક્ત અનેક વિધિઓ અને ક્રિયાઓ થયા કરે છે.