પૃષ્ઠ:Hira ni chamak.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારો એકનો એક આશ્રય : ૬૯
 


પરંતુ કલેશમાં અને ક્લેશમાં તથા ઘરનું ભાડું પૂરું ન અપાય એની ચિંતામાં હું ઘર બંધ કરી ચાલી નીકળ્યો. ચાલી નીકળીને જવું પણ ક્યાં ? મોટા ભાગનાં ઘર ઉપર તો ‘પરવાનગી સિવાય અંદર નહિ.’ એવું લખેલું હોય છે અને પરવાનગી માગવા માટે ઘરની અંદર તો જવું જ પડે ને?

નદીકિનારે, સ્મશાનની પાસે એક ભગ્ન દેવાલય હતું, એના પર પરવાનગી સિવાય અંદર આવવું નહિ એવું પાટિયું ચોટ્યું ન હતું એટલે અંદર ગયો. મંદિરની જીર્ણ ધર્મશાળામાં એક સાધુ બાટી બનાવી રહ્યો હતો. કોણ જાણે કેમ પણ મને જોતાંવેંત જ તેણે મને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું : ‘બચ્ચા ! બહુ દુઃખી લાગે છે.’

‘મહારાજ ! વાત ન કરશો. મારા જેવો દુઃખી દુનિયામાં બીજો કોઈ નહિ હોય.’

‘ધર્મનો આશ્રય લે, બચ્ચા ! તારાં બધાં દુઃખ દૂર થઈ જશે.’

'મહારાજ ! ધર્મનો આશ્રય લીધો એમાં જ તો મેં નોકરી ખોઈ, પત્ની ખોઈ, અને સર્વસ્વ ખોયું.’

‘તો તારે માની લેવું જોઈએ કે જે ધર્મ તારે માથે આટલું બધું દુઃખ નાખે એ ધર્મ સાચો ધર્મ હોય જ નહિ.’

‘તો મહારાજ ! મને સાચો ધર્મ શીખવો.’

‘મારી સાથે ઠેરી જા અને ધર્મનો આશ્રય કેમ લેવો તે બરાબર શીખ.’ કહી સાધુએ મને આશ્વાસન આપ્યું. આશ્વાસન સાથે મને થોડી બાટી પણ ખાવા આપી; તે ઉપરાંત એક સ્થળે સંતાડેલા ડબ્બામાંથી તેઓ મીઠાઈ પણ લઈ આવ્યા અને તેમાં એક મોટો ભાગ પોતે રાખી તેમાંથી એકબે કકડા મને પણ આપ્યા. સ્મશાનને મોખરે આવેલા આ શિવાલયમાં આ સાધુને મીઠાઈ કોણ આપી ગયું હશે? રાત્રે બેસીને વાત કરતાં સાધુએ મને કહ્યું : ‘એક સ્ત્રીને પુત્ર થતો નહોતો. મારી સેવાથી તેની આશા ફળી અને પુત્રજન્મને અંગે તેણે મને આ મીઠાઈ પહોંચાડી.’