પૃષ્ઠ:Hira ni chamak.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦ : હીરાની ચમક
 


ધર્મે કહો કે પ્રભુએ કહો, એક ઝબકારો મને આપ્યો. વધુ વિગતમાં હું ઊતરતો નથી. પણ એ પ્રેરણાને અંગે સાધુની પુત્રદાન શક્તિનો મેં પ્રચાર કરવા માંડ્યો. મારા આ પ્રચાર દ્વારા ધીમે ધીમે સાધુની પ્રતિષ્ઠા એટલી બધી વધી ગઈ કે એકાદ વર્ષમાં એ સાધુના હજારેક શિષ્યો થઈ ગયા અને બીજા વર્ષમાં તે શહેરના મોટા મોટા શેઠિયાઓ પણ આવી તેમને પગે પડવા લાગ્યા. સંકટમાં આવી પડેલા કંઈક શેઠિયાઓને સાધુ મહારાજ વચનસિદ્ધ લાગ્યા. હું તો તેમનો ચોવીસે કલાકનો શિષ્ય અને સાથી બની રહ્યો હતો એટલે મારી મારફત સાધુની કૃપા મેળવવાના અનેકાનેક પ્રયાસો થતા હતા. કોઈ શેઠિયાને નફો વધારે જોઈતો હતો, કોઈને ખોટા ચોપડા લખ્યાના ગુનામાંથી છૂટી જવું હતું કોઈને પોતાની તંદુરસ્તી સાચવવી હતી તો કોઈને સ્ત્રીસુખની વાંછના હતી. સાધુને વચનસિદ્ધિ હતી એવી હવે તો હજારો માણસની માન્યતા થઈ પડી. તેમનાં ઘણાં ઘણાં વચન સાચા પડવા લાગ્યાં.

પછી તો એ સાધુ મહારાજને મેં આગ્રહ કર્યો કે તેમણે નિત્ય કંઈક પ્રવચન કરવું કે લોકોને બોધ કરવો. સાધુએ કહ્યું : ‘આમ તો હું ઠીક વાતો કરી શકું છું પણ ગ્રંથોનો મારો કશો અભ્યાસ નથી.’

મેં તેમની ચિંતા દૂર કરી. શેઠિયાઓને કહીને ધર્મ ગ્રંથોનો એક ઢગલો મંદિરમાં કરાવી દીધો. મંદિરનો જીર્ણોદ્ધાર થઈ ગયો એટલું જ નહિ પણ મહારાજે વેદ, ઉપનિષદ્, ગીતા, મહાભારત, રામાયણ અને પુરાણોની વાતો છાંટવા માંડી. પછી તો ગામની મધ્યમાં એક સરસ જગ્યા લઈ લોકોએ તેમને એક માળનો મઠ બાંધી આપ્યો.

અને એ જ મઠને મેં આજે ધર્મ મહાલમાં ફેરવી નાખ્યો છે. સાધુની પ્રતિષ્ઠા પણ વધવા માંડી એ સાથે મારી પ્રતિષ્ઠા પણ વધવા માંડી. અમારી મુલાકાતે ગરજાઉ શેઠશાહુકારો, તેમની પત્નીઓ, વિદ્વાનો, પ્રોફેસરો, લેખકો અને અમલદારો પણ આવવા માંડ્યા અમલદારોને પગારવધારો જોઈએ, વિદ્વાનોને ખૂબ સન્માન જોઈએ