પૃષ્ઠ:Hira ni chamak.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬ : હીરાની ચમક
 


છે. જરત્કારુના દેહે પણ બહુ વિચિત્ર રીતે પોતાની બાંગ પુકારી અને પોતાનો સંતોષ વાંછ્યો. સામાન્ય માનવીને, બુદ્ધિવાદી માનવીને સમજ ન પડે એવી રીતે જરત્કારુના દેહે તૃપ્તિ માટે પુકાર કર્યો.

દેહીને શોધતો જરત્કારુનો વિકળ બનેલો દેહ પરિભ્રમણમાં પડ્યો. ફરતાં ફરતાં એક નિર્જન સ્થળે જરત્કારુ પસાર થતા હતા એવામાં તેમણે કોઈ અગમ્ય દુઃખભર્યો અવાજ આવતો સાંભળ્યો. એ કરૂણ નાદને સાંભળ્યો – ન સાંભળ્યો કરીને ખસી જવાય એમ હતું નહીં, ત્યાગી જરત્કારુને પણ લાગ્યું કે આ આર્તનાદની ખોજ કર્યા સિવાય ત્યાંથી ખસી શકાય નહીં જ. કરુણ અવાજ આવ્યે જ જતો હતો. શોધતાં શોધતાં તેઓ કૂવા પાસે આવી ચઢ્યા. કુવામાં પાણી ન હતું; પરંતુ એક વિચિત્ર દૃશ્ય જરત્કારુના જોવામાં આવ્યું. પાણી વગરના આ ખંડિયા કૂવામાંથી નીકળી આવેલા કોઈ મજબૂત ધાસ કે વૃક્ષનો ટેકો લઈને ઊંધે મસ્તકે વિચિત્ર દેહ, કે દેહાભાસ, લટકતા દેખાયા. એ લટકતા દેહના કંઠમાંથી આર્તનાદ આવતા હતા. એક દેહ સ્ત્રીનો હતો અને એક દેહ પુરુષનો હતો. વધારે કરુણ પરિસ્થિતિ તો એ હતી, કે જે વનસ્પતિને આશ્રયે દેહ લટકી રહ્યા હતા, તે વનસ્પતિને એક જબરદસ્ત ઉંદર બેઠો બેઠો કાતરી નાખતો હતો. કયે વખતે આ ઊંધા લટકેલા દેહ જલવિહીન કૂવામાં પડી ભગ્ન થશે એ કહી શકાય એમ ન હતું.

કૂવાને કાંઠે આવી ઊભેલા જરાત્કારુએ આ બંને જર્જરિત સ્ત્રીપુરુષને પૂછ્યું : ‘આપ કોણ છો ?’

‘અમે સ્વર્ગ પહોંચવા મથતા પિતૃઓ છીએ, પરંતુ સ્વર્ગને બદલે અમારી અધોગતિ થતી અમે અનુભવીએ છીએ.’

‘આપ કોના પિતૃ છો?’ જરત્કારુએ પૂછ્યું.

‘જરત્કારુ નામના એકમાર્ગી બ્રહ્મચારીનાં અમે માતાપિતા છીએ. એ મૂર્ખ છોકરો આત્માની શોધમાં પોતાના દેહનાં પગથિયાને બાજુએ મૂકી ઊંચે ફલાંગ મારવા મથે છે, અને તેનું પરિણામ અમારે ભોગવવું પડે છે.’ એક પિતૃએ જવાબ આપ્યો.