પૃષ્ઠ:Hira ni chamak.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦ : હીરાની ચમક
 


જરત્કારુ ચમક્યો. પોતાના નામનો ઉચ્ચાર અહીં કોણ કરતું હતું ? કોણ યોગી મુનિ પોતાને ઓળખીને તેને હાંક પાડતો હતો. સહેજ ઊંચે ચઢીને તેણે જોયું તો પર્વતના એક વિશાળ મેદાનમાં વૃક્ષઝુંડની અંદર અને તેની આસપાસ યુવક અને યુવતીઓ, વિચિત્ર પોશાક અને વિચિત્ર પીછાં ધારણ કરી રમતાં હતાં, નાચતાં હતાં, ગાતાં હતાં, અને એકબીજાને હસીહસીને બોલાવતાં હતાં. મહાપ્રવાસી જરત્કારુએ જોયું કે નાગપ્રજાનાં સ્ત્રીપુરુષો અહીં ખેલી રહ્યાં છે. એને આ રમતમાં વિશેષ રસ ન હતો – જોકે દૂર દૂર રમતી અને દોડતી સ્ત્રીઓ તેને ગમી ખરી; પરંતુ તેને આ રમતમાં જઈને ઊભા રહેવાની જરૂર દેખાઈ નહિ.

છતાં વારંવાર ‘જરત્કારુ !’ એવા ઉ‌દ્‌ગારો કેમ આવે જતા હતા ? એ મંડળીમાં કોઈ ઓળખીતું મળી આવે તેવો તેને સંભવ લાગ્યો. અને પોતાના જ નામનું વધારે સંબોધન થતાં તેણે ટેકરી ઊતરી મેદાનમાર્ગે જવા માંડ્યું. સ્વૈરવિહારમાં રમતા નાગ યુવકયુવતીઓએ આ આર્ય તપસ્વીને જોયો, પણ તેને આવતાં રોક્યો નહિ. એટલે હિંમત ધરી જરત્કારુ રમતમાં ગૂંથાયેલાં નાગ નર-નારીની પાસે પહોંચી ગયો. અને જતાં બરોબર તેણે ફરી પાછું સંબોધન સાંભળ્યું,

‘જરત્કારુ ! જો, જો. આમ આવ. કાંઈ દેખાડું.’ અને જરત્કારુની આસપાસ હસતાં રમતાં પંદર યુવયુવતીઓ આવી ભેગાં થઈ ગયાં.

રમત, ગમત, નૃત્ય અને હાસ્ય પણ એક જાતનો નશો ઉ૫જાવે છે. યુવક-યુવતીના દેહ અને મુખ પ્રફલ હતાં. વિચિત્ર પોશાક તેમના સૌંદર્યને વધારતો હતો, અને સર્વ દેહમાં ઊભરાતી મસ્તી ખરેખર આકર્ષક બની ગઈ હતી. બે યુવતીઓ એક અત્યંત રૂપાળી નાગયુવતીને ખેંચીને જરત્કારુ સામે લઈ આવી અને તેને કહેવા લાગી

‘જો જરત્કારુ ! તને મન હતું ને કોઈ આર્ય તપસ્વીને જોવાનું. જો, આ તારી સામે જ કોઈ આર્ય તપસ્વી દેવે મોકલ્યો લાગે છે.’