પૃષ્ઠ:Hira ni chamak.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દેહ અને દેહી : ૮૩
 


સ્ત્રીની શોધખોળમાં તપની રુક્ષતા છોડી સૌંદર્યને વરેલા મુનિ જરત્કારુનું પૌરુષ હવે રૂપાળું, ફૂટતું અને સ્ત્રીઓને પણ ગમે એવું થયું હતું. એની તો પ્રતિજ્ઞા જ હતી કે લગ્ન કરવું તો તે પોતાનું નામ ધારણ કરનારી સ્ત્રી સાથે જ કરવું. અને લાંબી શોધખોળને અંતે જરત્કારુને પોતાનું જ નામ ધારણ કરનારી યુવતી મળી પણ ખરી ! આમ આખી પ્રસંગયોજના દરેક રીતે અનુકૂળ નીવડી. અને પ્રેમ જ્યારે તોફાને ચડે છે ત્યારે પ્રેમપાત્રોને ઝડપથી શોધી પણ લે છે. મુનિ જરત્કારુને લાવણ્યવતી નાગકન્યા જરત્કારુ ગમી ગઈ. નાગકન્યાની આર્ય મુનિની ઝંખના હતી; એ ઝંખના તેને જરત્કારુ મુનિમાં સ્ફુટ થતી દેખાઈ. નાગરાજ વાસુકિને એ બંનેના લગ્નમાં પોતાના કુળનો ભાવિ ઉદ્ધારક ઉત્પન્ન થતો દેખાયો. અને જરત્કારુ મુનિના થોડા જ સમયના નાગપ્રદેશન નિવાસમાં તેણે નાગકન્યા જરત્કારુ સાથે લગ્ન પણ કરી લીધું. લગ્ન પહેલાં જરત્કારુએ પોતાની ભાવિ પત્ની પાસે માત્ર એક શરત કબૂલ કરાવી લીધી.

‘નાગકુમારી ! આપણે લગ્ન કરીએ છીએ તે અરસપરસના પ્રેમથી કરીએ છીએ એમાં જરા યે શંકા ન હોય. પરંતુ અમે આર્ય તપસ્વીઓ બહુ વિચિત્ર હોઈએ છીએ.’

‘તે હું જાણું છું. તમારી વિચિત્રતા હું પૂરી કરી શકીશ.’ — નાગકન્યાએ કહ્યું.

‘તું તો રાજકુમારી છે અને હું તો નિષ્કિંચન, ઝૂંપડીમાં વસનારો મુનિ છું. હું તને તારા રાજવૈભવને શોભે એવી રીતે કેમ રાખી શકીશ?’

‘તેની હરકત નહિ. હું રાજકન્યા છું એટલે મારું અને તારું વ્યવહારભારણ હું પોતે જ ઉપાડીશ. પછી છે કંઈ?’ પત્ની બનવા ચાહતી જરત્કારુએ કહ્યું.

મુનિને વ્યવહારભારણની ચિંતા તો ઘટી ગઈ. પરંતુ લગ્ન કદી પણ તેના માર્ગમાં વિઘ્નરૂપ ન નીવડે એવી ખોળાધરી મેળવવા તેણે એક શરત નવી વધારી,