પૃષ્ઠ:Hira ni chamak.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪ : હીરાની ચમક
 


‘નાગસુંદરી ! લગ્નનો અનુભવ હું તારાથી લઈશ. મારી પહેલી પ્રતિજ્ઞા જ છે, કે હું મારી નામધારી પત્નીને જ પરણીશ. પરંતુ હું ઇચ્છું છું કે જે ક્ષણે તું અગર લગ્ન મારા માર્ગની આડે આવે છે એમ લાગશે, તે ક્ષણે હું તને અને મારા ગૃહસ્થાશ્રમને છોડી ચાલ્યો જઈશ.’ મુનિએ કહ્યું.

‘ભલે ! એમ બનવાનો સંભવ જ નથી. છતાં હું તો એટલે સુધી આગળ વધીને કહું છું કે તમારી મરજી વિરુદ્ધ કશું પણ મારા તરફથી થાય તો તમે મને છોડીને ચાલ્યા જવાને મુખત્યાર છો.’ જરત્કારુએ કહ્યું.

અને અકિંચન મુનિ જરત્કારુ અને સમૃદ્ધિશીલ નાગકન્યા જરત્કારુનાં લગ્ન બહુ જ ધામધૂમથી નાગપ્રદેશના પાટનગરમાં થઈ ગયાં. અને વાસુકિ નાગે એમાં આર્યો અને નાગજનતાના સમન્વયની રૂડી ક્ષણ જોઈ.

મુનિને રાજકન્યા ગમે, પરંતુ રાજવૈભવ લાંબા સમય સુધી ન જ ગમે. રાજવંશી ઠાઠથી થયેલાં લગ્નથી પરવારી જરત્કારુ મુનિ તો પાછા અરણ્યમાં, નદીકિનારે, આશ્રમ સ્થાપી રહ્યા. અને પુરુષની ઘેલછાને આદિકાળથી પોષતી આવેલી સ્ત્રી તરીકે તેની પત્ની પણ તેની સાથે આશ્રમજીવનમાં આનંદપૂર્વક આવીને રહી. અત્યંત પ્રેમ અને આનંદથી જરત્કારુ દંપતીનો ગૃહસ્થાશ્રમ ચાલ્યો. મુનિની ધર્મની જિજ્ઞાસા અને મુનિના સંયમ મોજીલી નાગકન્યાને ખૂબ ગમી ગયાં; અને નાગકન્યાનું રૂપ, નાગકન્યાનું તોફાન અને નાગકન્યાનું હાસ્ય મુનિને અણદીઠ સુંદર જીવનપ્રદેશો દેખાડી રહ્યાં. જીવનમાં પ્રેમ પ્રવેશ પામે છે ત્યારે તે નવી દુનિયાને ઊભી કરે છે. મુનિએ પત્નીના સહચારમાં નવી દુનિયા અને નવા જીવનરંગ નિહાળ્યાં.

તે એટલે સુધી કે ઘણી વાર મુનિ જરત્કારુને એમ પણ લાગતું કે બ્રહ્મસાક્ષાત્કારની જે કલ્પના છે તે સ્નેહસાક્ષાત્કારનો જ પડઘો