પૃષ્ઠ:Hira ni chamak.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬ : હીરાની ચમક
 


ગમતી પણ હતી. જે આર્યત્વથી મોહીને નાગકન્યા જરત્કારુ મુનિને પરણી હતી તે આર્યત્વ ત્રિકાળ સંખ્યામાં સચવાઈ રહેતું તેણે જોયું. લાંબી નિદ્રામાંથી તેણે પતિને જગાડવાના કુમળા પ્રયત્નો કર્યા, પરંતુ સુખમય અંક છોડવો તે મુનિઓ માટે પણ મુકેલ છે.

અંતે સંધ્યાકાળ ઘેરો બનતાં પત્નીએ જરત્કારુને જરા ઢંઢોળી જગાડ્યા. જાગવાની અનિચ્છા તેમણે અર્ધનિદ્રામાં દર્શાવી, તે છતાં પત્નીએ પોતાના અંકને હલાવી ચલાવી મુનિની નિદ્રાનો ભંગ કર્યો અને કોણ જાણે કેમ મુનિ કુપિત થઈ બેઠા થયા.

‘મારી અનિચ્છા હતી છતાં તેં મને જગાડ્યો ?’ મુનિએ જરા ક્રોધ કરીને પ્રશ્ન કર્યો.

‘આ સૂર્ય આથમી જાય છે. અને નિદ્રામાં તમારી સાયંસંધ્યા પડે એ હું જરૂર ન ઇચ્છું, એટલે મેં તમને જગાડ્યા.’ પત્નીએ સૌમ્યતાપૂર્વક જવાબ આપ્યો.

‘હું સાયંસંધ્યા કરું નહીં ત્યાં સુધી સૂર્યથી કદી અસ્તાચળ ઉપર ઊતરી શકાય જ નહિ ! તું જાણે છે કે હું કે ભારે તપસ્વી છું ! સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીને પણ હું થંભાવી દઉં – ધારું તો !’

‘એ ખરું હશે. પરંતુ હવે તો તમારું તપ, બ્રહ્મની ઉપાસનાને બદલે મારા સૌંદર્યની ઉપાસનામાં સંક્રાંત થયું છે. મને ડર લાગ્યો કે કદાચ તમારા તપોબળથી સૂર્યાસ્ત બંધ ન રહે તો તમારી આટલી સાયંસંધ્યા પણ નિષ્ફળ જાય. એટલે મેં તમને જગાડ્યા.’ હસીને પત્નીએ પતિને ધર્મમાર્ગ દર્શાવવાનો પોતાનો ધર્મ બજાવ્યો.

અને જરત્કારુના હૃદયમાં એક તણખો ચંપાઈ ગયો. બ્રહ્મને મૂકીને જરત્કારુ મુનિ ભામિનીમાં એટલા લુબ્ધ થઈ ગયા હતા કે તેમની પત્નીને પોતાને જ તેમના તપમાં ઓટ આવતી દેખાઈ. એકાએક જૂના તપબળે તેમને એક બળવાન નિશ્ચય આપ્યો, અને તેમણે પત્નીને ગંભીર સ્વરે કહ્યું :

‘દેવી તારાથી બને એવું સુખ આપવામાં તેં કશી જ ખામી રાખી નથી. પરંતુ તેં મને હવે સાચેસાચ જગાડ્યો છે. હવે બ્રહ્મપ્રાપ્તિ