પૃષ્ઠ:Hriday Vibhuti.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.માનસીંગની ભૂખ ઊડી ગઈ હતી. એકાએક તેને તેનો બાપ યાદ આવ્યો. બાપ તો કેદખાને હતો. એને કેટલી સજા થઈ હશે? એ છૂટ્યો હશે કે નહિ? અઢીત્રણ વર્ષનો ગાળો નીકળી ગયો હશે કે નહિ ? માનસીંગને સમયનું પણ બહુ ભાન રહ્યું ન હતું. ધરમચંદ શેઠ એવા અને એવા જ લાગતા હતા; મંગી પણ બદલાઈ ન હતી. મંગીએ તેને પ્રથમ નહિ ઓળખ્યો હોય ? શું માનસીંગ એટલો બધો બદલાઈ ગયો હતો ?

સંઝેરમાં શી નવાજૂની બની હશે? એનો પિતા છૂટીને આવ્યો હોય તો મંગી આમ આટલે દૂર શહેર પાસે આવે ખરી? અને તે ધરમચંદ શેઠની સોબતમાં ? અને પાછી માનસીંગને ઓળખી બૂમ પણ પાડી ગઈ ! સ્વપ્ન તો ન હોય ?

એ સ્વપ્ન ન હતું. હરિસીંગ અને માનસીંગ બન્ને સાચેસાચ સુખડી ખાતા હતા. શિવાલય અંધારામાં પણ દેખાતું હતું. આસપાસનાં વૃક્ષ હાલતાં હતાં. ચીલો પણ દેખાતો હતો અને વધારે ધ્યાનથી સાંભળતા ગાડાવાળાનો દૂર દૂર જતો ડચકારો પણ સંભળાતો હતો. તારાઓ હસી રહ્યા હતા.

'ચાલ હવે, આવવું છે ?' એકાએક માનસીંગ બોલી ઊઠ્યો.

'ક્યાં ?'

'પેલા ગાડાની પાછળ. શું કરીશું ?'

‘એ ક્યાં જાય છે તે જોઈશું.’

'અને જોઈને શું કરશું ?'

'આમે બીજું કશું કામ તો નથી જ. ગાડા પાછળ જઈશું અને જે થાય તે જોઈશું.'

'મારે તને ઊજળી પાસે મોકલવો છે'

'કેમ ?'

'બાવાનો વેશ લઈ આવવા.'

‘તો તું ઊજળી પાસે જા; હું ગાડા પાછળ જઈશ. તું જ એ પહેરવેશ લઈ મંદિરમાં આવ.'