પૃષ્ઠ:Hriday Vibhuti.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિકાસ:૧૧૫
 

રકમ ગુમાવવી ન પડે અને સમાધાનીપૂર્વક ગામે પહોંચી જવાય એવી ઈંતેજારીવાળા એ મંડળી ગામ આવવાથી જરા પ્રસન્ન થઈ. જોકે એમાં બેઠેલા બે યુવકો કોઈનો પણ સામનો કરવા માટે તૈયાર જ હતા અને ધરમચંદ શેઠના બીકણપણા ઉપર માનસિક તિરસ્કાર વરસાવતા જ હતા. તેમની જ રાહ જોતો બેઠેલો માણસ દોડી આવતાં ગાડું જરા થોભાવી ગાડાવાળો આગળ વધ્યો, અને થોડે દૂર આવેલા એકલ મકાન આગળ આવતા માણસે ગાડું ઊભું રખાવ્યું. મકાનની પાછળ ધજા જેવું કપડું પણ હાલતું દુકાનવાળા પ્રકાશને લીધે દેખાતું હતું.

પ્રકાશવાળું સ્થળ એક હોટેલ હતી. એમાં ચા, સોડા અને ચણા માટે સગવડ હતી. દિલખુશ હોટેલ, મનોરંજન હોટેલ, રામભરોસે હિંદુ હોટેલ, સ્વરાજ શાન્તિગૃહ, ગાંધી લોજ, વગેરે અનેક નામો પામી ચૂકેલી આ ચાની દુકાન વટેમાર્ગુના આનંદનું, ગામલોકોનાં ગપ્પાંનું, છક્કા-પંજાની રમતનું અને ચોરી, વ્યભિચારી તથા મનુષ્યહરણનાં કાવતરાંનું એક કેન્દ્રસ્થાન હતી. દુકાનનો માલિક અણીદાર મૂછોવાળો, મજબૂત અને બેપરવા દેખાવાનો પ્રયત્ન કરતો એક હિંદુ હતો. પરંતુ એનું હિંદુત્વ બહુ ઉદાર હતું. ગામમાં વસતા મુસલમાનોને પણ તે ચા આપવામાં હરકત જોતો નહિ; અને ઘણી વાર ફેઝ પહેરીને હિંદુમુસ્લિમ વચ્ચેનું અંતર તે ઘટાડતો પણ હતો.

'આ ઠીક જગા છે. ચા પીએ અને આટલામાં જ કાંઈ પડી રહીએ.' હરિસીંગે કહ્યું. માનસીંગે હા પાડી એટલે ગાડું છૂટ્યા પછી આગળ આવી તેઓ હોટેલ તરફ વળ્યા. તેમના દેખાવમાં ગૃહસ્થાઈ ન હતી. ધોતિયું, પહેરણ, માથે ફાળિયું અને હાથમાં ડાંગ ધારણ કરેલા. મેલા દેખાવના માણસોને ગૃહસ્થ ગણવામાં આવતા નથી, એટલે હોટેલમાં પેસતા બરોબર માલિકે પૂછ્યું :

‘અલ્યા કોણ છો ? ક્યાંથી આવો છો ?'

'ભાઈ ! ચા પી લેવા દે ને? પછી બીજી વાત. વટેમાર્ગુ છીએ. આમથી આવ્યા અને આગળ જવું છે.' હરિસીંગે કહ્યું.

'પૈસાબૈસા છે ને ખીસામાં ?' માલિકને વિશ્વાસ ન પડવાથી તેણે પૂછ્યું.

‘અરે જોઈએ એટલા ! તું કહેતો હોય તો પહેલાં આપીએ.’ માનસીંગે પહેરણનું ખીસું ખખડાવી કહ્યું.

‘એલ્યા, બે કોપ લાવ.' માલિકે કામ કરતા એક છોકરાને બૂમ પાડી અને લોખંડની ખુરશી ઉપર બેસી હરિસીંગ અને માનસીંગને પૂછ્યું :